Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આવતીકાલે મોરબી - કચ્છના સાંસદ વિનોદ ચાવડા સરહદે તિરંગો લહેરાવશે

સરહદે જવાનો સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી : ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બની આઝાદીના અમૃત મહોત્સવમાં લોકોને જોડાવવા સાંસદની અપીલ

(ભુજ) આઝાદીનાં ૭૫ માં વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. નવા ભારત નાં સ્વપ્ન દ્રષ્ટા  નરેન્દ્રભાઈનાં ઘર ઘર તિરંગા અભિયાનનાં આહવાન ને દેશભરમાં રાષ્ટ્ર ચેતના સાથે ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

મોરબી કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ઘર - ઘર તિરંગા અભિયાન તા.૧૩/૮ થી ૧૫/૮ દરમ્યાન કચ્છ લોકસભા પરિવાર દ્વારા ઉજવવામાં આવશે. હર ભારતવાસી માં દેશ ભક્તિ જગાડવા અને દેશની આન - બાન - શાન અને સ્વાભિમાન જળવાય, એ માટે હેતુસભર કાર્યક્રમો કચ્છ ભરમાં આયોજીત કરાશે. ૭૫ માં વર્ષની ઉજવણી સંદર્ભે કચ્છ લૌકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કચ્છની સરહદે ૭૫ તિરંગા - રાષ્ટ્રધ્વજ બી.એસ.એફ્ કમાન્ડર શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ ની ઉપસ્થિતિ માં દરેક આઉટ પોસ્ટ ઉપર લહેરાવવા, વિતરણ કરવામાં આવશે. તા. ૧૦/૮/૨૨ બુધવારે સવારે ૧૦ વાગ્યે ભુજ ખાતેથી ૭૫ વાહનો સાથે ૩૦૦ થી વધુ કાર્યકરો - શુભેચ્છકો તથા જન પ્રતિનિધિઓ બોર્ડર પર જવા રવાના થશે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતિ પારૂલબેન કારા, માજી મંત્રી અને ધારાસભ્ય વાસણભાઈ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તથા કચ્છના જન પ્રતિનિધિઓ, કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બની આઝાદીના અમૃત મહોત્સવમાં લોકોને જોડાવવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી છે.

(10:02 am IST)