Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કચ્છમાં વધુ ૨૨ કેસ અને ૩ મોત, ૮ દિ'માં જ અ..ધ..ધ.. ૧૭૬ કેસ અને ૧૦ મોત, કુલ 706 કેસ, 36 મોત

કચ્છમાં તંત્રના છબરડા, મોતની યાદીથી માંડીને દર્દીઓના નામમાં ભૂલ, આજના મોતની યાદી હજી સુધી જાહેર ન કરાઈ

ભુજ : કચ્છમાં આજે વધુ ૨૨ કેસ સાથે કુલ કોરોનાના કેસનો કુલ આંકડો ૭૦૬ ઉપર પહોંચ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક બાજુ કોરોના બેકાબૂ થયો છે, બીજી બાજુ તંત્ર બેપરવા થયું છે. આજે ત્રણ ત્રણ મોત થવા છતાંયે રાત્રે ૯/૩૦ સુધીમાં તંત્ર દ્વારા મોતની યાદી જાહેર કરાઈ નહોતી. ગાંધીધામથી મળેલી જાણકારી મુજબ કોરોનાના બે દર્દીઓના મોત નિપજ્યા છે. મૃતકોના નામ રાજકુમાર જૈન (ઉ.૬૫) અને એબી ઉમેન (ઉ.૫૦) છે. જ્યારે ત્રીજા મૃતકનું નામ હજી મળ્યું નથી. જોકે, દરરોજ દર્દીઓ વિશેની માહિતી પણ મોડે મોડે જાહેર કરાય છે. કચ્છમાં ૩૧ જુલાઈના કુલ કેસ ૫૩૦ હતા અને મોતનો આંક ૨૬ હતો, જ્યારે આજે ૮ ઓગસ્ટના કુલ કેસ ૭૦૬ છે, અને મોતનો આંક ૩૬ છે.

સાવધાન કચ્છમાં કોરોના અનલોક
 આમ ૧ ઓગસ્ટના થી ૮ ઓગસ્ટ દરમ્યાન જ અ.. ધ..ધ.. કેસ ૧૭૬ કેસ અને ૧૦ મોત નોંધાયા છે. કચ્છની અત્યાર સુધીની આંકડાકીય માહિતી ઉપર એક નજર કરીએ તો એક્ટિવ કેસ ૨૦૯, સાજા થયેલા દર્દીઓનો આંક ૪૬૧ છે. જ્યારે આજે ત્રણ મોત ના માત્ર આંકડા અપાયા છે. પણ મૃતકોના નામ વિશે કોઈ માહિતી અપાઈ નથી. કુલ મૃત્યુ આંક ૩૬ થયો છે. કચ્છમાં તંત્રનું અસંકલન, દર્દીઓ અને મૃતકોના નામમાં છબરડા રોજિંદા બન્યા છે.

(10:37 pm IST)