Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જામનગરમાં પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિઓનું વેંચાણ કરનાર વેપારીઓ ઉપર તંત્ર ત્રાટક્યું: ૭૦ મૂર્તિઓ જપ્ત

જામનગર શહેર અને જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ દરમિયાન સુપ્રિમકોર્ટના આદેશનું પાલન કરીને માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ મંડળો અને ઘરોમાં લોકો સ્થાપિત કરે તેવી અપીલ દરેક ગણપતિ મંડળોને જીલ્લા વહીવટી તંત્ર વતી ગઈકાલે કલેકટર દ્વારા  કરવામાં આવી છે,તો સાથે કલેક્ટરના આદેશને પગલે શહેરમા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ વેચાણ કરનાર વેપારીઓ પર મનપાની એસ્ટેટ શાખાએ મૂર્તિઓ જપ્ત કરવાની આજથી કાર્યવાહી શરૂ કરી છે.

પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરીસમાથી બનતી મૂર્તિઓથી ખાસ તો મૂર્તિઓ દરિયામાં વિસર્જન કર્યા બાદ દરિયાઈ જીવશ્રુષ્ટિને મોટું નુકશાન થઇ રહ્યું છે, જેને લઈને સર્વોચ્ય અદાલત દ્વારા પણ પીઓપીની મૂર્તિઓ ને દરિયામાં વિસર્જનના કરવા પણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે, ત્યારે જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર રવિશંકરના વડપણ હેઠળ વખતે ગણપતિ મહોત્સવ દરમિયાન માત્ર ને માત્ર નેચરલ એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના થાય તેના પર ભાર મુકવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે જામનગર વહીવટીતંત્રના અધિકારીઓ અને ગણપતિ મંડળના સંચાલકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુંહતુ, કલેકટર રવિશંકરે વખતે શહેર અને જિલ્લામાં સુપ્રિમકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન થશે અને અત્યારથી પીઓંપીની મૂર્તિઓ બનાવતા લોકો અટકાવી અને મૂર્તિઓ પણ જપ્ત કરવામાં આવશે તેમ કહ્યું હતું, સાથે જે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરવા માંગતા હશે તેણે તંત્ર દ્વારા જગ્યા સહિતની સુવિધાઓ પણ આપવામાં આવશે તેમ જણાવ્યું..

તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વવારા કલેકટર ના આદેશને પગલે ગણતરીની કલાકોમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ વેચાણ કરનાર પર તવાઈ બોલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે,શહેરના સમર્પણ હોસ્પિટલ નજીક,તેમજ ખોડીયાર કોલોની નજીક પ્લાસ્ટ ઓફ પેરિસમાંથી મૂર્તિઓનું નિર્માણ કરી રહેલા વેપારીઓ પાસેથી એસ્ટેટ વિભાગે આજે ૭૦ મૂર્તિઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ વખતે જિલ્લાનું વહીવટી તંત્ર દરિયામા પ્લાસ્ટર ઓફ પેરીસ દ્વારા ફેલાતા પ્રદુષણને મામલે સખ્ત બન્યું છે, અને ગણપતિ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસ મુક્ત ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત થાય તેના માટે અત્યારથી કડક કાર્યવાહી કરવાની શરૂઆત અને સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવનાર ને પ્રોત્સાહન આપવાનું આયોજન પણ કર્યું છે.

(5:39 pm IST)