Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખાબેન શર્મા અને ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયા જુનાગઢ જિલ્લાના પ્રવાસે

સાસણ-ગીરના મહિલાઓને પગભર કરવા હોમ સ્ટે પ્રોજેકટ થશે શરૂ

જુનાગઢઃ ગીરમાં મહિલાઓ ગાઈડ બન્યા પછી હવે દેશ વિદેશના પ્રવાસીઓને આવકારવા સજ્જ થઈ છે. મિઝોરમ  અને મણિપુર માં હોમ સ્ટે પ્રોજેકટ મંજૂર કર્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતમાં નર્મદા અને હવે સાસણ અને ગીર આસપાસના ગામડાઓની મહિલાઓને પગભર કરવા હોમ સ્ટે પ્રોજેકટને લીલીઝંડી આપી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ ના ચેર પર્સન સુશ્રી રેખાબેન શર્માએ આજે સાસણની મુલાકાત લીધી હતી. સાસણના આસપાસની ગામોની પચાસ બહેનો સાથે સંવાદ સાધી ને રાષ્ટ્રીય મહિલા આયોગે ઈન્ટરનેશનલ કંપની સાથે કરેલ એમયુ અંગેની સમજણ આપી આ પ્રોજેકટથી બહેનો કઈ રીતે પગભર થઈ શકશે તેની પ્રાથમિક જાણકારી આપી હતી. તે અંગે આનંદ વ્યકત કર્યો હતો.

 ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર ના ગામો માટેનો આ પ્રોજેકટ મહિલા સશકિતકરણની દિશામાં વધુ એક પીછું ઉમેરશે.

સાસણના  ડીસીએફ ડો. મોહન રામે ગીરમા વનવિભાગના સંકલન હેઠળ બહેનોને જે રોજગારીની તકો આપવામાં આવી છે તે અંગે માહિતી આપી હતી. ગુજરાત ટુરીઝમ નિગમના મેનેજર મુકુંદભાઈ જોશી અને આસિસ્ટન્ટ મેનેજર અજરાબેન શેખે પ્રવાસન નિગમ ૨૦૧૪થી મહિલાઓ પ્રવાસન ના માધ્યમથી  આગળ આવે તે માટે કામ કરી રહ્યું છે તેની માહિતી આપી ગીરમાં બહેનોને તમામ પ્રકારની મદદ કરવા તૈયારી બતાવી હતી. આ કાર્યક્રમમાં  ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલ, નેશનલ વુમન કમિશનના લીગલ એકસપર્ટ ડેબલીના બેનર્જી, પ્રાંત અધિકારી જીજ્ઞાબેન દલાલ, જૂનાગઢના દહેજ પ્રતિબંધક અધિકારી ડો. મનિષાબેન મુલતાણી, મહિલા બાળ કલ્યાણ અધિકારી જે.બી જસાણી, રાજકોટના જનકસિંહ નારી અદાલતના મયુરીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારદાબેને કર્યું હતું.

(1:13 pm IST)