Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સાવરકુંડલામાં રાજમાર્ગો ઉપર રેલી ફરશે : ભાવનગર જીલ્લામાં વન સંરક્ષકની અધ્યક્ષતામાં સંયોજકોની મીટીંગ યોજાઇ

ભાવનગર : તસ્વીરમાં ભાવનગરમાં સિંહ દિવસની ઉજવણી સંદર્ભે મીટીંગ મળી હતી.

રાજકોટ, તા. ૯ : કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે અને સિંહોને બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.

સાવરકુંડલા

સાવરકુંડલા : સાવરકુંડલા નોર્મલ રેન્જ દ્વારા વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરાશે. સિંહ બચાવો અંગે માર્ગદર્શન તેમજ પાંચ હજાર બાળકો દ્વારા સાવરકુંડલાના રાજમાર્ગો પર ફેલી ફરશે. સિંહ અંગે જાગૃતિ લાવવાનો વન તંત્ર દ્વારા પ્રયાસ કરાશે.

સમગ્ર કાર્યક્રમને મુંબઇના ઉદ્યોગકાર રણજિતભાઇ કાછડીયા પ્રોત્સાહિત કરશે. એશિયાટિક લાયન એ ગીરનું ઘરેણુ છે ત્યારે અલગ અલગ ત્રણ જિલ્લામાં આ ઉજવણી થશે. જેમાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સરકારના વન વિભાગ દ્વારા થશે. જે અંતર્ગત ધારી ગીર પૂર્વના ઇન્ચાર્જ સબ ડીએફઓ કપિલ ભાટીયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થશે. સાવરકુંડલા નોર્મલ રેન્જ દ્વારા સાવરકુંડલા તાલુકા અને શહેરભરના બાળકોને સિંહ અંગે માર્ગદર્શન અપાશે અને બાદમાં પાંચ હજાર જેટલા બાળકો વિદ્યાર્થીઓની વિશાલ રેલી સાવરકુંડલાના રાજમાર્ગો પર બેનર સાથે ફરી સિંહ અંગે જાગૃતિ લાવવા લોકો સમક્ષ અપીલ કરશે.

ભાવનગર-ઇશ્વરીયા

ઇશ્વરીયા-ભાવનગર : જિલ્લામાં સિંહ દિવસની ઉજવણીમાં ૧૪ લાખથી વધુ વ્યકિતઓ જોડાશે. ૧૦ ઓગષ્ટના કાર્યક્રમ સંદર્ભે આજે ભાવનગર ખાતે સંયોજકો સાથે બેઠક યોજાઇ ગઇ.

૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ સંદર્ભે આજે વન સંરક્ષક અધિકારીશ્રી સંદીપકુમારે સંયોજકો સાથેની બેઠકમાં ભાવનગર શહેર તથા જિલ્લામાં આ ઉજવણી સંદર્ભે સમીક્ષા કરી હતી. આ સાથે ભાવનગર શહેરમાં એક વિશેષ કાર્યક્રમ માટે આયોજન અંગે ગોઠવણ કરાઇ હતી.

ગત વર્ષ સિંહ દિવસની ઉજવણીમાં ૧૧ લાખ જેટલી વ્યકિતઓ સામેલ થયેલ, જયારે આ વર્ષે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, કર્મચારીઓ, અધિકારીઓ વગેરે વ્યકિતઓ જોડાશે.

જિલ્લા સંયોજક શ્રી તખુભાઇ આ બેઠકમાં તમામ તાલુકાના ગામોમાં ઉજવણી સાહિત્ય મળવા અંગે તાકીદ કરી હતી.

વન વિભાગના શ્રી નિરવભાઇ મકવાણા, શ્રી અંકુરભાઇ બાધેલા સહિત કર્મચારીઓએ વિકટોરિયા ઉદ્યાનની આ બેઠકમાં ભાગ લઇ રૂપરેખા તૈયાર કરવામાં સાથ આપ્યો હતો.

(11:37 am IST)