Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગાંધીનગર બેઠા-બેઠા નીતિન પટેલ કંઇ કરતા નથીઃ વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરિ રિબડીયાની ઓડિયો ક્લીપ વાયરલ થતા રાજકીય ખળભળાટ

જૂનાગઢઃ વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરિ રિબડીયાની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં હરિ રિબડીયા પોતે સર્વે સર્વા હોય એમ શેખી મારી રહ્યાં છે. એટલું નહીં પૂર્વ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિરૂદ્ધ હરિ રિબડીયાએ ટિપ્પણી કરતા રાજકીય ખળભળાટ મચ્યો છે.

ક્લીપમાં હરી રિબડીયા જણાવે છે કે, વિસાવદરનો દાયકા જૂનો બાયપાસનો પ્રશ્ન પોતે સોલ્વ કરાવ્યો હતો. કનુભાઈ કેટલીય વાર ગાંધીનગર જઈ આવ્યા છતા પણ કંઈ થયુ નહીં. એટલું નહીં ઓડિયો ક્લીપમાં હરિ રિબડીયા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ ટિપ્પણી કરતા કહે છે કે, ગાંધીનગર બેઠા બેઠા નીતિન પટેલ પણ કંઈ કરતા નથી.
જો કે, હરિ રિબડીયાએ ક્લીપમાં જે શબ્દોનો પ્રયોગ કર્યો છે કે તે શબ્દો અહીં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ તેઓ એવી શેખી મારી રહ્યાં છે કે જાણે સર્વે સર્વા તેઓ પોતે હોય. તેમના દ્વારા તમામ કામ પાર પડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હરિ રિબડીયા જૂનાગઢ  જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના કૌટુંબિક સસરા થતા હોવાથી તંત્રને દબાવાનો પ્રયાસ કરે છે.

(6:15 pm IST)