Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના કર્મચારીની ઈચ્છામૃત્યુની રાજ્યપાલને અરજી

કોર્ટનો ચુકાદો છતા પુરતો પગાર અપાતો નથીઃ આર્થિક સંકટની રાવ કરતા દિપક પરમાર

જામનગર, તા. ૯ :. જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના કર્મચારી દિપક પરમારે રાજ્યપાલશ્રીને પત્ર પાઠવીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. કોર્ટનો ચુકાદો હોવા છતાં પુરતો પગાર ન  અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

દિપક પરમારે વધુમાં જણાવ્યુ કે લાંબાગાળા બાદ ફરજ ઉપર હાજર થયો છું, છતાં રૂ. ૧૪૦૧૦ પગાર મળે છે. હાલ મારી આર્થિક પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે અને મારૂ મકાન પણ છેલ્લા ૩ મહિનામાં વેચાય ગયેલ છે. ઘરનુ ગુજરાન પણ ચલાવી શકતો નથી, આર્થિક ખેંચ છે. લોન લીધેલ છે તેના હપ્તા ભરાતા નથી હાલ હું ભાડાના મકાનમાં રહુ છું તેમજ પુત્રનો અભ્યાસ કરાવવો છે પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મારા પુત્રનો અભ્યાસ પણ કરાવી શકતો નથી.

મને ગ્રેડેશન આપવા માટે યુનિવર્સિટીને વખતો વખત લેખિત તથા મૌખિક જાણ કરી વિનંતી કરી છતા પણ મને પગાર ફીકસેશન ન કરી અને નામદાર કોર્ટના ચુકાદાનું પાલન ન કરી ને મને માનસિક, આર્થિક ત્રાસ આપવાનું શરૂ કરેલ છે. મારી બચત હતી તે બધી બેકારીમાં વપરાઈ ગયેલ છે. મારી પાસે આજીવિકા માટે હવે પૈસા નથી, મારા વૃદ્ધ માતા-પિતા અને પુત્રનું ભરણપોષણ ઓછા પગારમાં કરી શકું તેમ નથી. મારી આર્થિક-સામાજીક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. જીવવા માટે હવે મારી પાસે કશું જ નથી. આખો દિવસ નોકરીમાં જાય છે અને મારી પાસે બીજી કોઈ કમાણી કરી શકું તેમ નથી. મારી અન્ય કોઈ આવક નથી. મેં અહીં યુનિ.માં કવાર્ટર માટે માંગણી કરી હતી તે માટે હું હક્કદાર હોવા છતા પણ મને કવાર્ટરની વ્યવસ્થા કરી આપેલ નથી.

આવી વિકટ પરિસ્થિતિને હિસાબે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી હું મારી આવી ખરાબ આર્થિક-સામાજિક પરિસ્થિતિથી કંટાળીને હવે મારી પાસે ઈચ્છા મૃત્યુ સિવાય કોઈ જ આરો નથી. આથી ઈચ્છા મૃત્યુની મંજુરી આપવા માંગણી કરી છે.

(4:16 pm IST)