Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હડતાલનાં સુખદ અંતની ખુશીમાં જુનાગઢ મનપાના કર્મચારીઓ ૧ કલાક વધુ ફરજ બજાવશે

કમિશ્નર અને પદાધિકારીઓનાં વલણથી કર્મીઓ ખુશ

જુનાગઢ, તા., ૯: હડતાલનાં સુખદ અંતની ખુશીમાં જુનાગઢ મનપાના કર્મચારીઓ ૧ કલાક વધુ ફરજ બજાવી પોતાનું ઋણ અદા કરશે.

સાતમાં પગાર પંચની માંગણીને લઇ જુનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ ૧ લી ઓગષ્ટથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ગઇકાલે એક સપ્તાહ બાદ હડતાલના સુખદ અંત આવ્યો હતો

૧ લી જાન્યુઆરી ર૦૧૬ થી ૭ મું પગાર પંચને લાગુ ગણી તે મુજબ એરીયર્સ ચુકવવામાં આવશે અને આ માટેની અમલવારીનો નિર્ણય આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવશે તેમજ હડતાળ દરમ્યાનનો પગાર કાપવામાં આવશે નહી તેવી ખાત્રી કમિશ્નર પ્રકાશ સોલંકી, મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાએ આપતા ગઇકાલે હડતાલ સમેટી લેવામાં આવેલ અને કર્મચારીઓએ કામે લાગી જવા યુનિયનના નેતાઓએ હાંકલ કરી હતી.

દરમ્યાનમાં મ્યુનિ. કર્મચારી સંઘના મિડીયા ઇન્ચાર્જ દેવાંગભાઇ જોશીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, અમોને મળેલી ખાત્રી સંતોષકારક છે અને કમિશ્નરશ્રી અને પદાધિકારીઓના અમો આભારી છીએ.

હડતાલનો સુખદ અંત વચ્ચે કર્મચારીઓની માંગણી સ્વીકારવાની ખુશીમાં સફાઇ કામદારો સહીતના કર્મચારીઓ ફરજ ઉપરાંતનો ૧ કલાક વધુ ફરજ બજાવી સફાઇ સહીતની કામગીરી કરશે તેમ શ્રી જોશીએ જણાવ્યું હતું.

(3:34 pm IST)