Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉપલેટા તાલુકામાં કેમીકલ યુકત પાણી આવતું અટકાવવા માગણીઃ મામલતદારને આવેદન

ઉપલેટા તા.૯: અહિંથી ૧૦ કિ.મી. દુર ભુખી ગામના પાટીયા પાસે ભાદર-ર જળસીંચાઇ યોજના આવેલ છે. ચાલુ વર્ષ દરમ્યાન પ્રથમ રાઉન્ડમાંજ વરસાદ થઇ જતા ડેમની અંદર નદીનાળા અને વોકળાના પાણીથી ડેમ ઓવરફલો થઇ ગયેલ હતો. પરંતુ સાડી ઉદ્યોગના કારખાનેદારો દ્વારા કેમીકલયુકત પાણી નદીના છેવાડાના વિસ્તારમાં છોડવામાં આવતા આ કેમીકલ યુકત પાણી ભાદર-ર ડેમ સુધી પહોંચ્યુ હતું. પુષ્કળ પ્રમાણમાં કેમીકલ યુકત ભાદર-ર ડેમમાં એકઠું થઇજતા અનેક પ્રકારના પ્રદુષણ સહીત ફીણનો ઉપદ્રવ જોવા મળેલ હતો. પાણી પીવા કે સીંચાઇના ઉપયોગમાં આવે તેમ ન હોય અને ડેમ ખાતે કેમીકલ યુકત પાણી એકઠું થતા લોકરોષ ભભુકી ઉઠયો છે.

આ બાબતે ભાદર-ર ડેમ નીચે આવતા વિસ્તારના ખેડુતોમાં ચીંતા સેવાઇરહી છે કે આ પાણી ડેમની અંદરથી છોડવામાં આવશે ત્યારે ઉપલેટા ઉપરાંત બાંટવા-માણાવદર અને કુતીયાણા તાલુકાના ભાદર કાંઠાના ગામોમાં આવેલ ચેક ડેમ મારફત સીંચાઇને અનુલક્ષી આ પાણી ખેડુતોના ખેતરો સુધી પહોંચશે ખેતીની સાથે ગામની પાણી પુરવઠા યોજના દરમ્યાન પીવા અને વપરાશ માટે દુષીત પાણીનું વિતરણ થશે ત્યારે લોકો ગંભીર રોગચાળાના શિકાર બનશેની ભીતી ઉભી થઇ છે.

ઉપલેટા તાલુકાના લાખાભાઇ ડાંગર, કૃષ્ણકાંત ચોટાઇ, રણજીતભાઇ ચાવડા, જયદેવસીંહ વાળા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટ, રજાકભાઇહીંગોળા, આરતીબેન માકડીયા, રમેશભાઇ મકવાણા સહીતના અનેક આગેવાનોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાદર-ર ડેમમાં ઠલવાતા કેમીકલયુકત કચરાને બંધ કરાવવાની માંગણી દર્શાવેલ હતી.

(12:13 pm IST)