Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કુલ ૧૪૦૦માંથી ૧૨૧૦ સામે કાર્યવાહી થઈ હોય તો ભાદરમાં કેમીકલ્સયુકત પાણી આવે છે કયાંથી ? ધારાસભ્યનો સવાલ

૩ વર્ષમાં ૩૦૬ યુનિટો બંધ કરવા, ૯૦૪ યુનિટો સામે નોટીસો આપ્યાની પ્રદુષણ બોર્ડએ વિગતો આપીઃ આશ્ચર્યજનક જવાબ સામે મુખ્યમંત્રીને રજૂઆત કરતા લલીત વસોયા

ધોરાજી, તા. ૯ :. ભાદર નદીમાં જેતપુર ડાઈંગ-પ્રિન્ટીંગ યુનિટોનું દુષિત પાણી ભાદર નદીમાં છોડવાના મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ તા. ૨૬-૭-૧૮ના જેતપુર પ્રદુષણ નિયંત્રણ વિભાગ કચેરી પાસે જેતપુરના ડાઈંગ-પ્રિન્ટીંગના કેટલા એકમો સામે ૩ વર્ષમા કાર્યવાહી કરાઈ ? તેની વિગતો માંગી હતી.

જેના પ્રત્યુત્તરમાં જીપીસીબી કચેરી જેતપુરના અધિકારી જે.ડી. ગૌસ્વામી દ્વારા વિગતો અપાઈ હતી. ગૌસ્વામીએ અગાઉ જણાવેલ કે જેતપુર વિસ્તારમાં અંદાજે ૧૪૦૦ જેટલા સાડીના યુનિટો ચાલી રહ્યા છે. લેખીત માહિતી આપતા જણાવેલ કે ૩ વર્ષ દરમ્યાન ૩૦૬ યુનિટો બંધ કરવા તેમજ ૯૦૪ યુનિટોને પર્યાવરણીય કાયદાઓ હેઠળ શા માટે બંધ ન કરવા ? તેની નોટીસો અપાઈ છે. કુલ ૧૨૧૦ એકમો સામે કાર્યવાહી કરાઈ હોવાની લેખીત માહિતી આપી હતી.

આ આશ્ચર્યજનક માહિતી મામલે ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જેતપુર જીપીસીબી કચેરીના અધિકારીઓ દ્વારા ખોટી આંકડાકીય માહિતીની માયાજાળ રચી પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવાઈ છે. પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાસેથી મળેલ વિગતો મુજબ જેતપુર વિસ્તારમાં અંદાજે ૧૪૦૦ જેટલા સાડી ઉદ્યોગોના એકમો ચાલી રહ્યા છે, તો ૩૦૬ જેટલા યુનિટો બંધ કરાવ્યા હોય અને ૯૦૪ એકમો સામે કાર્યવાહી કરી હોય તો ભાદર નદીમાં  પ્રદુષીત પાણી આવે છે કયાંથી ?

જેતપુર ડાઈંગ-પ્રિન્ટીંગના ઔદ્યોગીક એકમો દ્વારા ખૂબ જ વિપુલ પ્રમાણમાં કેમીકલયુકત પાણી ઠલવાઈ છે. જેતપુર તાલુકાના અનેક ગામો, ધોરાજી તાલુકો માણાવદર, કુતિયાણા સહિત તાલુકામાં જ્યાંથી ભાદર-નદી પસાર થાય છે તે સમગ્ર વિસ્તારમાં ખેતીને નુકશાન થાય છે. તેમજ આ પ્રદુષીત પાણી પીવામાં ઉપયોગમાં લઈ શકાતુ નથી. આ પાણી વાપરવાથી કેન્સર, કિડનીના અને ચામડીના રોગો થાય છે. જેના સરકારી આંકડા પણ ઉપલબ્ધ છે.

ભાદર નદીમાં કેમીકલયુકત પાણીનો પ્રશ્ન અત્યંત ગંભીર છે. સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નદી ભાદર છે. ભાદર-૨ ડેમ પણ સૌરાષ્ટ્રના વિશાળ ડેમોમાંથી એક છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદીને ઝેરીલી બનાવનાર એકમો સામે કાર્યવાહી કરાઈ હોવાની અષ્ટમ-પષ્ટમ વાતો તંત્ર દ્વારા કરાઈ છે. ૧૪૦૦ જેટલા કુલ એકમોમાંથી ૧૨૦૦થી વધારે યુનિટો સામે કાર્યવાહી કરાઈ હોવાની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગની વાત હાસ્યાસ્પદ છે અને સામાન્ય માણસ પણ સમજી શકે તેવુ સફેદ જુઠ છે.

આ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપાયેલ આંકડાકીય વિગતો સાથે ધારાસભ્ય લલીત વસોયા દ્વારા મુખ્યમંત્રીને લેખીત પત્ર દ્વારા રજુઆત કરાશે.

(12:08 pm IST)