Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કેશોદ પંથકનો ઓઇલ મીલર રાજેશ સારી મગફળી ખરીદતો'તો અને જેતપુરનો વિશાલ નબળી ધાબડી દેતો'તો!

મગફળી કૌભાંડમાં મોડી રાત્રે ધરપકડ કરાયેલા ઓઇલ મીલર અને વેપારીની પુછતાછઃ આજે સાંજે બંન્નેના રિમાન્ડ મંગાશેઃ મગફળી અને રાજકોટના બારદાન કોડ સંદર્ભે ગુજકોટના એમ.ડી. શર્માની આજે પુછતાછ કરાશેઃ મગફળી કૌભાંડમાં કુલ ર૯ની ધરપકડઃ અગાઉ પકડાયેલા ૮ આરોપી જેલહવાલે અને ૧૯ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે

રાજકોટ, તા., ૯: સૌરાષ્ટ્રના ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં  સારી મગફળી ખરીદનાર કેશોદ પંથકના ઓઇલ મીલર અને નબળી મગફળી ધાબડનાર જેતપુરના વેપારીની મોડી રાત્રે ધરપકડ કરાયા બાદ બંન્નેની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. આજે સાંજે બંન્નેના રિમાન્ડ મંગાશે. તેમજ મગફળી અને રાજકોટના બારદાનકાંડ સંદર્ભે ગુજકોટના એમ.ડી.શર્માને સમન્સ પાઠવતા  નિવેદન લેવાનાર છે.

મગફળી કૌભાંડમાં ગત મોડી રાત્રે રૂરલ પોલીસે કેશોદના મેસવાણ ગામે ક્રાંતી ઓઇલ મીલ ધરાવતા રાજેશ ગોવિંદભાઇ વડારીયા તથા જેતપુર માર્કેટ યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ શાંતીલાલ  સખરેલીયાની ધરપકડ કરાઇ છે. પકડાયેલ વિશાલ જેતપુર પાલીકાના પુર્વ પ્રમુખનો પિતરાઇ ભાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ ઓઇલ મીલર રાજેશ વડારીયા  મોટી ધાણેજ સહકારી મંડળી દ્વારા ખેડુતો પાસેથી ખરીદાતી  સારી મગફળીના જથ્થાની ખરીદી કરતો હતો જયારે જેતપુરનો વેપારી વિશાલ સખરેલીયા નબળી મગફળીનો જથ્થો  ગોડાઉનમાં સપ્લાય કરી દેતો હતો. અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે જેતપુર પાસે જયાં ભેળસેળ થતી હતી તે ગોડાઉન રૂરલ પોલીસે શોધી કાઢી દરોડો પાડયો હતો. આ ગોડાઉનમાં જેતપુરનો વેપારી નબળી મગફળીનો જથ્થો  મોકલતો હતો અને ત્યાંથી ભેળસેળ કરી મગફળીનો જથ્થો મંડળીના ગોડાઉનમાં રાખી દેવાતો હતો. આ કૌભાંડમાં સહકારી મંડળી દ્વારા ૬૭૦૦ ગુણી સારી મગફળીનો જથ્થો ક્રાંતી ઓઇલ મીલમાં વેચી દેવાયાનું આ અગાઉ પોલીસ તપાસમાં ખુલી ચુકયું છે.

પકડાયેલ ઓઇલ મીલર રાજેશ વડારીયા મગફળીનું પેમેન્ટ જેતપુરના વેપારીને કરતો હતો. સારી મગફળી અને નબળી મગફળીના ભાવનો ડીફરન્સનુ પેમેન્ટ  મંડળીના સંચાલકોને ડાયરેકટ પહોંચાડતો હોવાનું ખુલ્યું છે. કેશોદ પંથકના ઓઇલ મીલર અને જેતપુરના વેપારી વચ્ચે થયેલ નાણાકીય વ્યવહાર તેમજ મંડળીના હોદેદારો સાથે થયેલ નાણાકીય વ્યવહાર અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમિયાન પેઢલાના મગફળીકાંડમાં રૂરલ પોલીસે ગુજકોટના મેનેજીંગ ડાયરેકટર શર્માને તા.૯ એટલે કે આજે પોલીસ સમક્ષ નિવેદન આપવા સમન્સ પાઠવ્યું હતું. રૂરલ પોલીસ દ્વારા મેનેજીંગ ડાયરેકટર શર્માનું નિવેદન લેવાશે તેમજ રાજકોટના બારદાનકાંડ અંગે પણ પુછપરછ કરાશે.

મગફળી કૌભાંડમાં અત્યાર સુધીમાં ર૯ શખ્સોની ધરપકડ કરાઇ છે. જે પૈકી ૮ આરોપીઓને ગઇકાલે જેલહવાલે કરાયા હતા. જયારે ૧૯ શખ્સો રિમાન્ડ પર છે અને ગઇકાલે પકડાયેલા વધુ બે આરોપીઓને આજે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઇ છે. (૪.૧૬)

(11:58 am IST)