Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સૂરજબારી પુલ પર ડાયવર્ઝનના કારણે સતત બીજા દિવસે કિલોમીટરો સુધી વાહનોના લાગ્યા થપ્પાઃ માલવાહક વાહનોથી માંડી એમ્બ્યુલન્સ, એસટી તેમજ પ્રાઈવેટ વાહનો ફસાયા

ભુજ : કચ્છને જોડતા મોરબી – માળિયા હાઈવે પર હરીપર નજીક રેલવે ઓવરબ્રિજની દિવાલનો એક હિસ્સો તુટી પડતાં તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવી દિવાલ રીપેર કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છને જોડતા સૂરજબારી પુલ પર મહાકાય ટ્રાફિક જામ આજે સતત બીજા દિવસે પણ કિલોમીટરો સુધી યથાવતા રહેતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા.આ અંગેની વિગતો મુજબ માળિયા નજીક રેલવે ઓવરબ્રિજની દિવાલ ધસી પડતાં એક માર્ગનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર ટ્રાફિક એક રોડ પર આવી જતાં વાહનોના થપ્પા લાગી ગયા છે. જિલ્લો ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગોનો હબ હોવાથી સૂરજબારી પુલ પર દરરોજ હજારો વાહનોની અવર જવર હોય છે. કચ્છથી બહાર જવું હોય કે અમદાવાદ, સુરત, વડોદરા માટે આ માર્ગ પર મુખ્ય ધસારો રહે છે, જેના કારણે સતત બીજા દિવસે કચ્છના પ્રવેશ દ્વાર પર વાહનોના થપ્પા લાગતા ડ્રાઈવર – ક્લિનરો સહિત સૌ કોઈ અકળાઈ ઉઠયા હતા. એક બે કલાક ઠીક પરંતુ કલાકો સુધી વાહન આગળ ન ઘપતા લોકોએ વાહનો બંધ કરી રોડ પર બેસી ગયા હતા. મહાકાય ટ્રાફિક જામે વાહન ચાલકો, મુસાફરો સહિત સૌ કોઈને વ્યથીત કરી નાખ્યા હતા. આજે સવારે પણ પાંચ કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

(9:34 pm IST)