Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટંકારાનાં પ્રો. દયાળમુનિએ સાહિત્યમાં ઉત્તમ ખેડાણ કર્યું : આચાર્ય દેવવ્રતજી

૪ વેદના મંત્રોનું ગુજરાતીમાં અનુવાદ કરનારા ટંકારાનાં પ્રો.દયાળ મુનિને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન : સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સમારોહ યોજાયો

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૯ : ટંકારાના પ્રો.દયાળ મુની (પ્રો.ડો.દયાળજીભાઇ માવજીભાઇ પરમાર)ને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાહિત્ય ગૌરવ પુરસ્કાર વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમથી અર્પણ કરાયો હતો.

આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતુ કે ટંકારાની ધરતી પૂ.દયાનંદ સરસ્વતીના નામથી દેશ-વિદેશમાં જાણીતી છે. જ્યારે ટંકારાના પ્રો.દયાળમુનિએ સાહિત્યમાં ઉત્તમ ખેડાણ કરીને ટંકારાનું નામ દેશ-વિદેશમાં ગુંજતુ કર્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં રહીને  પ્રો.દયાળમુનિએ દ્રઢ ઇચ્છા શકિતથી ખૂબ જ આગળ વધ્યા છે. 

ચાર વેદના તમામ મંત્રોનો સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું અભૂતપૂર્વ, મહાન ભગીરથ કાર્ય કરનાર પ્રો.ડો. દયાળજીભાઇ માવજીભાઇ પરમાર (દયાળમુનિ)ને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર -૨૦૨૦ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આજે ટંકારામાં આર્ય વિદ્યાલય ખાતે યોજાયો હતો. સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમનું ઓનલાઇન ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય અકાદમી દ્વારા એક લાખ અને રાજ્યપાલ દ્વારા બે લાખ રૂપિયાનો પુરસ્કાર તેમજ સન્માનપત્ર શ્રી દયાળમુનિને પાઠવવામાં આવ્યા હતા. સમારોહમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઇ પંડ્યા, ઇશ્વરભાઇ પટેલ, ડો.બિપીન ભીમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ગરીબ દરજી પરિવારમાં જન્મેલા દયાળ મુનિએ (હાલ ઉંમર ૮૫ વર્ષ) જીવન દરમિયાન ખૂબ સંઘર્ષ કરી આપબળે આગળ આવ્યા છે. ચાર વેદનું સંસ્કૃતમાંથી ૨૦,૩૯૭ મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરી ૮ પુસ્તક તૈયાર કરવાનું કાર્ય તેમણે કર્યું છે. જેમાં ઋગ્વેદના ખંડના ૧૦,૫૫૨ મંત્ર, યજુર્વેદના ૧૯૭૫ મંત્રી, સામવેદ ૧૮૭૫ મંત્ર, અથર્વવેદના બે ખંડના ૫,૮૭૭ મંત્રનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તેઓ એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુવાદક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ જેવી બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવી વિરલ વિભૂતી તરીકે ઉભરી આવ્યા છે.

દયાલજીભાઇ માવજીભાઇ પરમાર સંસ્કૃત શિક્ષક,લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વકતા અને ગાયક, સમાજ સુધારક, પુસ્તકાધ્યક્ષ છે. ઉંમર ૮૫ વર્ષ (૨૮/૧૨/૧૯૩૪) પૃષ્ઠભૂમિ ગ્રામ્ય વિસ્તારમાંથી આર્થિક અતને સામાજિક પછાત બેક ગ્રાઉન્ડમાંથી  (ગરીબ દરજી કુટુંબ) સંઘર્ષ કરી સ્વબળે આગળ આવ્યા છે.

પોસ્ટ રિટાયર્ડ ડોકટર, રીડર કમ પ્રોફેસર, હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ, કાયચિકિત્સા વિભાગ, ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય જામનગર, ગુજરાત સંસ્કૃત શિક્ષક અને લેખક છે.

 તેમણે આયુર્વેદ સાહિત્ય ઉપર વ્યાખ્યાપ ચરક, સુશ્રૃત, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા છે. જે બીએએમએસના વિદ્યાર્થીઓને ટેકસબુક અને સંદર્ભ પુસ્તિકા તરીકે ઉપયોગી થઇ રહી છે. આયુર્વેદ પર સંશોધનપત્રો અને લેખો તૈયાર કર્યા છે. મહાભારતથી મહર્ષિ દયાનંદ, સત્યાર્થ, પ્રકારની તેજ ધરા વગેરે પુસ્તકો લખ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી ટંકારા આયુર્વેદિક કિલનિકલમાં હજારો દર્દીઓનો સંપૂર્ણ નિઃશુલ્ક ઇલાજ કર્યો છે.

દયાળ મુનિ વૈદિક ધર્મ, સંસ્કૃતિ સંસ્કૃત ભાષા અને આયુર્વેદ જેવા વિષયોના વકતા અને ગાયક પણ છે. તેમની પાસે સંસ્કૃત, ધર્મ અને આયુર્વેદ વિર્ષેના દુર્લભ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. આ પૂર્વે તેમને રાજ્યપાલ હસ્તે આયુર્વેદ ચુડામણી, નેશનલ કોન્ફરન્સ ઓફ આયુર્વેદ દ્વારા લાઇફ ટાઇમ અચીવમેન્ટ, આર્ય સમાજ -મુંબઇ દ્વારા આર્ય કાર્મયોગી વગેરે પુરસ્કાર અને એવોર્ડ પ્રાપ્ત થયા છે.

સન્માન સમારોહામં અધ્યક્ષ તરીકે રાજ્યપાલ આચાર્ય સમારોહમાં અધ્યક્ષ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યઅતિથિ તરીકે મંત્રી ઇશ્વરસિંહ પટેલ, અને અતિથિવિશેષ સર્જન ડો.જયંતિ ભાડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)