Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ખંભાળિયામાં પાલિકાના કર્મચારીને ભાજપના ઝંડા લહેરાવવા ભારે પડયાઃ નોટીસ

દિવસમાં ત્રણમાં ખુલાસો કરવામાં નહી આવે તો આકરા પગલા ભરાશેઃ ચીફ ઓફિસર આક્રમકઃ ઝંડા લગાડવા કોણે સુચના આપી હતી તેની હજુ તપાસ જરૂરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૯ : નગરપાલિકાના ઇલેકટ્રીક શાખાના વાહનમાં પાલિકાના કર્મચારીઓ રામનાથપરા વિસ્તારમાં ભાજપની ઝંડીઓ લગાવતા જોવા મળતા આ અંગેના અખબારી અહેવાલ અને સોશ્યલ મીડીયામાં થયેલા વાયરલ ફોટોના પગલે પાલિકાના ચીફ ઓફિસરે કર્મચારીઓને નોટીસ ફટકારી દિવસ ત્રણમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. જો ખુલાશો આપવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. તેમ જણાવતાં આ બનાવ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે, પાલિકામાં પ્રજાના મતે ચુંટાયેલા ભાજપના સતાધિશોને સંગઠનમાં પણ જાહેરમાં પ્રેમ ઉભરાતા પાલિકાના ઇલેકટ્રીક શાખાના વાહન અને કર્મચારીઓનો ઉપયોગ કરી શહેરના રામનાથપરા સહિતના વિસ્તારમાં ભાજપની ઝંડીઓ લગાડતા જોવા મળ્યા હતાં આ બાબતે અખબારો અને સોશ્યલ મિડીયામાં ફોટો વાયરલ થતાં પાલિકાના સતાધિશો પણ શરમમાં મુકાયા હતા. સોશિયલ મીડીયામા પણ પ્રજા દ્વારા પાલિકાના સતાધીશોને ખંખેરવામાં કોઇ કચાશ રાખી ન હતી. જેને પગલે પાલિકાના ચીફ ઓફિસર કડકાઇ ભર્યુ વલણ દાખવી જવાબદાર કર્મચારીઓને તાત્કાલીક અસરથી નોટીસ ફટકારવાની કાર્યવાહી કરી ત્રણ દિવસમાં જવાબ રજુ કરવા જણાવાયું છે.  જો કે, આ પાલિકાના કર્મચારીઓને  ઝંડીઓ લગાડવા કયાં સતાપ્રેમીએ સુચના આપી હતી. તે દિશામાં  પણ જવાબદારોએ તપાસ કરવી જરૂરી છે.

(1:09 pm IST)