Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

માધવપુરઘેડના નીલકંઠ મંદિર પાસેના મધુવન જંગલના વૃક્ષો કાઢીને પ્લોટીંગ કરનારા સામે કાર્યવાહીની માંગ

૭૦ જાતની વનસ્પતિ અને અસંખ્ય વૃક્ષોવાળા પ્રાકૃતિક વાતાવરણનો વિનાશ ન થાય તે જરૂરી

રાજકોટ, તા. ૯ :  પોરબંદર જીલ્લાના માધવપુર ઘેડના નીલકંઠ મંદિર પાસેનાં મધુવન જંગલના વૃક્ષો કાઢીને પ્લોટીંગ કરનારા સામે કાર્યવાહી કરવા પોરબંદરના કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

આધારભૂત માહિતી પ્રમાણે વનવિભાગ અને ગ્રામપંચાયત દ્વારા મધુવન જંગલ વિસ્તારના વૃક્ષો કાપીને પ્લોટીંગ કરવા માટે સર્વે હાથ ધરાયેલ છે. તેઓની દલીલ છે કે આ બાવળિયા અને ઝાડા ઝાખરા વાળો નકામો વિસ્તાર છે. હકિકત જુદી જ છે. રોડ પરથી ઝાડા ઝાંખરા છે અંદરથી ઘટાટોપ ગાંડા બાવળ શિવાય મુલ્વાન વૃક્ષોનું ગીચ જંગલ છે.

આ બાબતે કઇ નિર્ણય થાય પહેલા મધુવન જંગલની આ જગ્યાની એક બાજુ પૌરાણિક કૃષ્ણ ભગવાનનું લગ્ન સ્થાન છે. બીજી બાજુ પ્રાચીન નીલકંઠ મંદિર છે અને એક સાઇડમાં ઓશો આશ્રમ દ્વારા નિર્મિત કલાકૃતિઓ અને ગોવર્ધન પર્વત છે. સ્થાનિક લોકોમાં વન તરીકે જાણીતા આ વિસ્તારને સંબંધ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકોના દિલ સાથે કૃષ્ણના વખતથી આ જગ્યાને મધુવન કહેવાય છે. આ વિસ્તારમાં જુદી જુદી ૭૦ જાતની વનસ્પતિથી શોભાતા પ૦૦ થી વધુ વૃક્ષો છે. ર૪ રાયણ જેમાં ૧૦ રાયણના ઝાડ ૧૦૦ વર્ષ કરતા પણ જુના છે. આ ઉપરાંત ઘણા આંબલીના તોતિંગ વૃક્ષો છે. કલ્પનામાં પણ ના આવે તેટલા રાયણના ફળ આંહી થાય છે. ગામ અને આસપાસના લોકો આ રાયણ કે રાજફલની મિજબાની દર વર્ષે માણે છે.

આ વિસ્તારમાં ૧રપ જાતના પક્ષીઓ જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર તથા શીયાળ, નોળિયા, શાહુડી નો કાયમી વાસ છે. તદ ઉપરાંત વારંવાર આવી ચડતાસિંહ દીપડા પણ આ જંગલનો ઘેડ બાજુ જવા ઉપયોગ કરે છે. તેઓનો આ કોરિડોર છે. આ વિસ્તારને વૃક્ષો અને પ્રાણી પક્ષીઓ માટે કાયમ રખાય. ભાવિ પેઢીને માટે આ અમાનનત સંચવાય તેજરૂરી છે. કુદરતની વર્ષોની મહેનત પછી આટલી સુંદર પ્રાકૃતિક સુષ્ટિ વિકસી છે. તેને હટાવી શકીશું પણ બનાવી નહીં શકીએ.

આ વિસ્તારમાં પ્લોટીંગ કરવા કરતા આખાય ગામના હિતમાં એક સરસ પ્રાકૃતિક ઉદ્યાન પણ બનાવી શકાય. તો આ વિસ્તારનો બહુજન હિતાય ઉપયોગ થાય તથા વૃક્ષો અને પ્રાણી પક્ષીઓનું રહેણાક પણ બચી જાય. આ બાબતે નિર્ણય લેતા પહેલા આ વિસ્તારમાં રૂબરૂ આવી ખરાઇ કરશો તો હકિકતનો ખ્યાલ આવશે. આ વિનંતીને ધ્યાનમાં લઇ કંઇક નકકર કાર્યવાહી કરશો તેવી માંગણી કરાઇ છે.

આ અંગે મુખ્ય વનસંરક્ષક વન્યપ્રાણી સરદાર બાગ જુનાગઢ, નાયબ વન સંરક્ષક પોરબંદરને પણ રજુઆત કરાઇ છે.

(1:06 pm IST)