Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કાલે સાવરકુંડલામાં પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીની પ્રાર્થના સભા

સમાજ સુધારણાની પ્રેરણાદાયક પ્રવૃતિઓ કરી'તી : સ્વતંત્રતાની લડતમાં જોડાયા'તા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૯ : અમરેલીના પૂર્વ સાંસદ નવીનચંદ્ર  પી. રવાણીનું તા. ૨૯/૪/૨૧ના અવાસન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા કાલે તેમના વતન સાવરકુંડલામાં આવેલ સોની જ્ઞાતી વાડી, મણીભાઇ ચોક ખાતે સાંજે ૪ થી ૭ દરમિયાન યોજાશે. તેમ પરિવારના અમુભાઇ પી.રવાણી (રીટાયર્ડ ચિફ જસ્ટીસ શ્રી રાજસ્થાન હાઇકોર્ટ) કુસુમબેન એન. રવાણી, ચંદ્રેશભાઇ એન.રવાણી, નીલેશભાઇ એ. રવાણી, નીશાબેન એન. રવાણી, દીપકભાઇ એન.રવાણી, યોગેશભાઇ એન.રવાણી, નૈમિષભાઇ એન.રવાણી, સાવનભાઇ વી.રવાણીએ જણાવ્યું છે.

શ્રી નવીનચંદ્ર પી. રવાણીનો જન્મ તા. ૨ એપ્રિલ ૧૯૩૦ના થયો હતો. પરમાનંદદાસ પી.રવાણી, અંબાબેન રવાણી કુસુમબેન એન. રવાણી છે. તેમને ચાર પુત્રો અને એક પુત્રી છે. દિપકભાઇ રવાણી, ચંદ્રેશભાઇ રવાણી, યોગેશભાઇ રવાણી, નૈમિષભાઇ રવાણી અને નિશાબેન રવાણી છે. અભ્યાસ ઇન્ટરમિડીયેટ સ્તર (ભવન્સ કોલેજ,મુંબઇ), કાર્યક્ષેત્ર રાજકારણ, સમાજસેવા તથા ખેતી, વિચારસરણી સમાજવાદી-શોશીયાલીસ્ટ હતી.

નવીનચંદ્ર રવાણીએ ૧૯૪૬માં સ્વાતંત્રતાની લડતમાં ભાગ લીધો હતો. ૧૯૫૨થી ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના એકઝીકયુટીવ કમિટીના સભ્ય હતા. ૧૯૮૦ થી ૨૦૨૧ -૪૧ વર્ષ સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય, ૧૯૭૭ થી ૨૦૨૧- ૪૪ વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના એડવાઇઝરી કમિટીના સભ્ય, ૧૯૫૩ થી ૧૯૭૨ સળંગ ૨૦ વર્ષ સુધી સાવરકુંડલા શહેર સુધરાઇના પ્રમુખ તે ઉપરાંત ૧૯૬૪ થી ૧૯૭૨ દરમિયાન સાવરકુંડલા શહેરના એજ્યુકેશન કમિટીના ચેરમેન, ૧૯૭૨થી ૧૯૭૫ ટાઉન પ્લાનિંગ અને હાઉસિંગ ખાતાના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી. ૧૯૭૨ થી ૧૯૭૫ એસ.ટી. એમ્પ્લોઇઝ યુનિયનના સમગ્ર ગુજરાત રાજ્ય ચેરમેન, ૧૯૭૯ થી ૧૯૮૦-જી.ઇ.બી. વર્કર્સ યુનિયનના રાજ્યના વાઇસ ચેરમેન પદે સેવાઆો આપી હતી.

૧૯૭૯ થી ૧૯૮૪ અમરેલી જીલ્લાનાં સંસદસભ્ય તરીકે સાતમી લોકસભામાં સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા તે ઉપરાંત તે જ વર્ષમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજૂલા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઇ આવ્યા. ૧૯૮૪ થી ૧૯૮૯ પાંચ વર્ષના કાર્યકાળ બાદ ૧૯૮૪ માં સતત બીજી વખત અમરેલી જીલ્લાના સંસદસભ્ય તરીકે આઠમી લોકસભામાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા અને કુલ ૧૦ વર્ષ સુધી સંસદસભ્ય તરીકે સેવાઓ આપી.

૧૯૮૦ થી ૧૯૮૧ બે વર્ષ દરમિયાન લોકસભાની પીટીશન્સ કમીટીના સભ્ય.

૧૯૮પ અને ૧૯૮૬ બે વર્ષ દરમિયાન લોકસભાની એસ્ટીમેટ કમિટીના સભ્ય.

તદઉપરાંત ૧૯૮પ થી ૧૯૮૬ માં જ લોકસભાની પબ્લીક એકાઉન્ટ કમીટીના પણ સભ્ય.

૧૯૮૭ થી ૧૯૮૯ દરમ્યાન ગુજરાત પાર્લામેન્ટરી પાર્ટી, નવી દિલ્હીના કન્વીનર.

ર૦૦ર ના વર્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ પદે કાર્યાન્વિત રહ્યા.

ર૦૧ર થી ર૦૧૭ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય રહી ચૂકયો છે.

ગરીબો ગ્રામીણ અને નીચલી જાતિના લોકોને અને વિચરતી જાતિઓના લોકોને સંગઠીત કરી તેઓના વસવાટ માટે રહેણાંક અને આરોગ્યની પુરતી સેવાઓ મળી રહે તેના માટેની વ્યવસ્થા કરી હતી. ૧૯પર થી ૧૯૬૦ દરમિયાન સંપૂર્ણપણે સમાજવાદી વિચારસરણી સાથે જોડાયેલ હોવાથી ગરીબો માટે રહેણાંકના હેતુ માટેના રપ૦૦ થી વધારે મફત પ્લોટસ ફાળવી અને તેઓને બીલકુલ રાહતદરે બાંધકામ કરાવી આપી ને અપના ઘર યોજના મુર્તિમંત કરી અને સમગ્ર દેશ પહેલ કરેલ અને તે થકી બીજા સમકાલીન વહીવટકર્તાઓએ પ્રેરણા મેળવેલ. તેઓની આ યોજનાના પગલે-પગલે દેશના અન્ય વિસ્તારોમાં તથા રાજય અને કેન્દ્ર સરકાર  દ્વારા આ પ્રકારની યોજનાઓ રજૂ કરવામાં આવેલ હતી.

ગરીબો તથા દૈનિક રોજગાર પર ગુજરાન ચલાવતા કામદાર વર્ગ માટે સહાનુભુતિ દર્શાવી બીડી-કામદારો તથા વજન કાંટા બનાવતા શ્રમજીવી કામદારો માટે તેઓના મંડળો બનાવી આપી તેઓને રહેણાંક અને ઉત્પાદન એક જ સ્થળે થઇ શકે તેવી રીતના કોલોનાઇઝડ પ્રકાર ના મફત પ્લોટ્સ ફાળવી આપેલ. વજન કાંટાના કારીગરોની મંડળીઓને સરકારી કવોટાના કોલસાની તથા લોખંડની જથ્થાબંધ ભાવે ખરીદી કરાવી આપી કાચા-માલની પડતર નીચે લાવવામાં મદદરૂપ થયા.જેથી કાંટાના ક્ષેત્રમાં કામ કરતા કારીગરોની આર્થિક સ્થિતીમાં સુધારો થયો.

તેઓના અથાગ પ્રયત્નો તથા 'ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ' વાળી મદદ અને વજન કાંટાના કારીગરોની કુનેહભરી મહેનતને કારણે સમગ્ર દેશમાં વજન કાંટાના ક્ષેત્રમાં સાવરકુંડલા સદાકાળ અગ્રેસર રહ્યું અને હાલ પણ છે.

શાહુકારો તથા માથાભારે તત્વો અને વ્યાજખોરો પાસેથી ઉછીના લીધેલા નાણા પર કમરતોડ વ્યાજના ભારણ તથા તેના કારણે ગરીબોને જે માનસીક તેમજ શારીરીક યાતનાઓ ભોગવતી પડતી હતી તે અંગે સહીષ્ણુતા બતાવી અને 'ઋણ મુકિત' યોજના અમલમાં મુકાવી અને દરેક નીચલા અને આર્થિક રીતે દબાયેલલા વર્ગના ગરીબોની સહાય કરી તેઓનું શોષણ થતુ અટકાવેલ હતંુ.

સંપર્ક માટે ચંદ્રેશભાઇ એન.રવાણી,ગાંધી સોસાયટી, સાવરકુંડલા -૩૬૪૫૧૫, જીલ્લા -અમરેલી મોબાઇલ : + ૯૧ ૯૮૭૯૪ ૮૮૮૧૧, યોગેશભાઇ એન. રવાણી (એડવોકેટ) કુસુમવીલા કર્ણાવતી કલબ પાછળ મહમદપુરા ગાલા ઓરમ રોડ, અમદાવાદ ૩૮૦૦૫૧ મોબાઇલ + ૯૧ ૯૮૨૪૦ ૪૯૭૯૧.

(12:00 pm IST)