Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જોડિયા તાલુકાના છેવાડાના ૧૦ ગામોને જોડતા લતીપર-પીઠડ સુધી રોડની બિસ્માર હાલત

(હસમુખભાઇ કંસારા દ્વારા) ધ્રોલ તા.૯ : જોડીયા તાલુકાના છેવાડાના દશ જેટલા ગામડાઓને જોડતો લતીપર, પીઠડ સુધીના આઠ કીમીનો રસ્તો છેલ્લા બે વર્ષથી અતિબિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલ છે ત્યારે વહીવટીતંત્ર તરફથી આ રસ્તાને રીપેર કરીને વાહનો સરળતાથી ચાલી શકે તે માટેની કોઇ જ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી. પરિણામે આ રસ્તા ઉપરથી ચાલતા વાહનોને તેમજ મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

લતીપર પીઠડનો આઠ કીમીના આ રસ્તાને નવો બનાવવા માટે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત મંજુર કરેલ હોવાનુ તેમજ આ કામ માટે આ રસ્તાની કામગીરીઓને લાઇન ટેન્ડરો ત્રણ ત્રણ વખત બહાર પાડવામાં આવેલ હોવા છતા આ ટેન્ડરો કોન્ટ્રાકટરો દ્વારા ઉપાડવામાં નહી આવતા આ રસ્તાની પોલીસને છેલ્લા ત્રણેક વર્ષથી દિવસો દિવસ ખરાબ થતી જાય છે.

આ વિસ્તારની જનતાની કમનસીબી ગણો કે વહીવટી તંત્રની નિયમોની બલિહારી સમજો પરંતુ આજ સુધીમાં આ રસ્તો રીપેર કરવાની કોઇજ કામગીરી કરાઇ નથી. આ લતીપર પીઠડના રસ્તા માટે જીલ્લાના ભાજપના આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરવા છતા પણ આ પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી.

આ વિસ્તારના પ્રજાજનોની માંગણી છે કે નવો રોડ જયારે બનાવો ત્યારે પણ તાકિદે આ રોડને રીપેર કરવામાં આવે તેમજ પીઠડ સહિતના દશ જેટલા ગામડાઓમાં રસ્તાઓ ઉપર ગાંડા બાવળના ઝુંડ થઇ ગયેલ છે. વરસો વરસના આ જંગલ કટીંગની કામગીરી કરવામાં આવતી હોય છે. આ બાબતે પણ અનેક રજૂઆતો છતા આ અંગે હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.

પીઠડ સહિતના આ દશ જેટલા ગામડાઓની જનતાના આ શીરદર્દ સમા પ્રશ્નો અંગે તાકિદે કહેવાતા આગેવાનો તથા અધિકારીઓ દ્વારા તાકિદે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી છે.

(11:53 am IST)