Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઉપલેટા પાલિકા આરોગ્ય શાખા દ્વારા ગંદકી અને કચરો ફેલાવતા વ્યાપારીઓ સામે લાલ આંખઃ ૩૭ વ્યાપારીઓને ફટકાર્યો દંડ

દંડ ફટકાર્યા બાદ કચરા પેટીઓ મુકાવી સ્વચ્છતા જાળવવા સુચન : ઉપલેટા આરોગ્ય શાખા દ્વારા કુલ રૂપિયા ૧૮,૫૦૦નો વસુલ કરાયો દંડ

ઉપલેટા તા.૯: ઉપલેટા શહેરમાં આવેલ શાકમાર્કેટની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ કચરો ફેલાવતા અને સ્વચ્છતા નહીં જાળવતા વ્યાપારીઓને ઉપલેટા નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે જેમાં કુલ વ્યાપારીઓ ૩૭ વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉપલેટાની શાકમાર્કેટમાં નગરપાલિકા દ્વારા અગાઉ સ્વચ્છતા જાળવવા સૂચનો આપેલ હતા પરંતુ સૂચનોનું પાલન નહિ કરી અને ગંદકી અને કચરો ફેલાવતા ૩૭ વ્યાપારીઓ ઉપલેટા નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે અને કુલ ૧૮,૫૦૦/- રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાકમાર્કેટમાં ફરી કચરો ન ફેલાય તે માટે કચરા પેટીની પણ ઉપલેટા નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવાય છે અને સાથે વ્યાપારીઓને ફરી કચરો અને ગંદકી નહિ ફેલાવવા અને જ્યાં-ત્યાં કચરો નહી નાંખી અને કચરા પેટીમાં જ કચરો નાખવા કડક પણે સુચન પણ આપવામાં આવ્યું છે.

આ સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા અને ચીફ ઓફિસર આર.સી. દવે દ્વારા લોકોને પણ જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા અને કચરો એકત્રિત થયા બાદ કચરો લેવા આવતા વાહનમાં કચરો નાખવા વિનંતી કરી અને સ્વચ્છતામાં સહકાર આપવા આ તકે ખાસ અપીલ કરવામાં આવી હતી.

(11:52 am IST)