Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જમાદાર ઉપર હૂમલો : કાલે લખતર બંધ

પોલીસ સ્ટેશનમાં પાણી પીવા ગયેલ યુવક સાથે બોલાચાલી થયા બાદ : બોથડ પદાર્થ મારી દેતા જયદિપસિંહ ઝાલાને સુરેન્દ્રનગર ખસેડાયા : આરોપીને ઝડપી લેવાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે ખાસ કરી મારામારીના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં લખતર પોલીસ સ્ટેશનમાં જ મારામારીનો બનાવ સામે આવ્યો છે  લખતરના પોલીસ સ્ટેશનમાં પાણી પીવા ગયેલા યુવક દ્વારા પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપર યુવક દ્વારા બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી વિગત અનુસાર કાલે સાંજના સમયે યુવક પાણી પીવા ગયો હતો તે સમયે કોઇપણ કારણોસર બોલાચાલી થતા મામલો બિચકયો હતો અને લખતર પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજ ઉપર રહેલા હેડ કોન્સ્ટેબલ ઉપર યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત વધુ લથડતા સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ઝાલા ઉપર હુમલો થયો છે.

આ મામલે લખતર પોલીસ સ્ટેશનના અન્ય ફરજ ઉપર રહેલા પોલીસ જવાનો દ્વારા હાલમાં આ હુમલો કરનાર શખસને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા સુરેન્દ્રનગર એસઓજીની ટીમ તથા લોકલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ વડા દોડી ગયા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે હેતુથી અને આ બાબત આગળ ન વધે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા રાત્રી દરમ્યાન ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ત્યાંની વધુ વિગત ખુદ જિલ્લા પોલીસ વડાએ મેળવી હતી.

પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના પોલીસબેડામાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.

યુવકના પરિવારજનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા

આ બાબતની જાણ પરિવારજનોને થતાં લખતર પોલીસ મથકે હુમલો કરનાર યુવકના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જયદીપસિંહ ઝાલા ઉપર યુવક દ્વારા ઇટ મારી અને હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને કાલે ક્ષત્રિય સમાજના યુવક ઉપર હુમલો થતાં લખતર બંધનું એલાન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે કાલે સવારથી સાંજ સુધી લગતા સજ્જડ બંધ રહેશે એવું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હાલમાં આ ઇજાગ્રસ્ત પોલીસની તબીયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ પણ ત્યાં ઘટનાસ્થળે દોડી જઈ અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને લખતર પોલીસ દ્વારા આજે સવારે ૧૧ વાગ્યે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આ મામલે વધુ પોલીસ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:16 am IST)