Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભાવનગરમાં મૈત્રીકરાર કરનાર યુવતી અને તેના પુત્રને મારી નાખ્યા

ગઇકાલે અલગ-અલગ સ્થળેથી ગોદડામાં વિંટળાયેલી લાશોમાં કંઇક કનેકશન હોવાનું પોલીસને શંકા જતા ભેદ ખુલી ગયો : જેના ઘરે આશરો લીધો તે વણીક યુવાન હેમલ ઝડપાઇ ગયોઃ મરનાર વિપ્ર યુવતી અંકિતા જોષીએ છુટાછેટા લીધેલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૯: ભાવનગર શહેરમાં ગઇકાલે થયેલ બે હત્યાના બનાવનો ભેદ ઉકેલી પોલીસે આરોપી યુવાનને દબોચી લીધો છે. મૃતક યુવતી અને તરૂણ બન્ને માતા-પુત્ર હોવાનું ખુલવા પામ્યું છે અને મૃતક યુવતી આરોપી યુવક સાથે મૈત્રી કરારથી રહેતી હોવાનું અને યુવાને તેના ફલેટમાં જ  યુવતી અને તેણીની સાથે આવેલા ૧ર વર્ષના તરૂણની હત્યા કરી બાળકની લાશને સીદસર રોડ પર ફેંકી દીધી હતી અને યુવતીની લાશને ઘરના ગોદડામાં વીંટાળી ને રાખી હતી. યુવાન બીજી લાશને સગેવગે કરે તે પહેલા  જ પોલીસે આરોપી યુવાનને દબોચી લીધો છે અને આ અંગે સતાવાર જાહેરાત બપોર બાદ કરશે તેમ જાણવા મળેલ છે.

ફિલ્મી ઢબે કરાયેલ બેવડી હત્યાના આ બનાવની વિગતો એવી છે કે ગઇકાલે ભાવનગર શહેરમાંથી સવારે ૧ર વર્ષનાં તરૂણની લાશ હત્યા કરાયેલ હાલતમાં સીદસર રોડ પર એક નાળામાંથી મળી આવી હતી અને સાંજે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એક ફલેટમાંથી હત્યા કરાયેલ યુવતીની લાશ મળી આવેલ હતી. બે-બે હત્યાના બનાવથી પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.

દરમ્યાન સવારે જે તરૂણની લાશ મળી આવી હતી તે ગોદડામાં વીંટળાયેલ હાલતમાં હતી અને સાંજે પણ જે લાશ મળી આવી તે પણ ગોદડામાં વીંટળાયેલ હોય બન્ને બનાવ વચ્ચે કનેકશન હોવાની શંકા જતા પોલીસે  ઝીણવટભરી તપાસ કરી હતી અને યુવતીની લાશ જે ફલેટમાંથી મળી આવી હતી તે વણીક યુવાન હેમલને દબોચી લેતા મૃતક યુવતી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.ર૮) હોવાનું અને તેણી છુટાછેડા લીધા બાદ આ વણીક યુવાન સાથે મૈત્રી કરારથી રહેતી હોવાનું અને તેને ૧ર વર્ષનો પુત્ર હોવાનું ખુલવા પામ્યું હતું. જેના ઘરે આશરો લીધો હતો તે યુવાને જ આ વિપ્ર યુવતી અને તેના પુત્રની હત્યા કર્યા બાદ પ્રથમ બાળકની લાશને ગોદડામાં વીંટાળીને તેની કારમાં નાખી સીદસર રોડ પર એક નાલા પાસે ફેંકી આવ્યો હતો અને બીજી લાશને પણ સગેવગે કરવા જાય તે પહેલા જ પોલીસ ફલેટે પહોંચી ગઇ હતી અને બનાવનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસે બેવડી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે.

આ અંગે આજે બપોર બાદ સતાવાર જાહેરાત કરશે તેમ જાણવા મળેલ છે. જે ફલેટમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી છે તે ફલેટ વણીક યુવાન હેમલ શાહનો હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો  જાહેર કરશે તેમ જાણવા મળેલ છે.

(11:15 am IST)