Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સાધુ આકાર જ નહીં સાધુ વિચાર પણ મનમાં આવી જાય તો સુખ મળે : પૂ. મોરારીબાપુ

તલગાજરડાના શ્રી રામજી મંદિરે આયોજીત ''માનસ સાધુ મહિમા'' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ૯ :  પૂ. મોરારીબાપુના વ્યાસાસને તલગાજરડાના શ્રી રામજી મંદિરે શનીવારે માનસ સાધુ મહિમા શ્રી રામકથાનો પ્રારંભ થયો છે. આ કથાનો આજે છઠ્ઠો દિવસ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે પાસપાસે રહેતા સાધુ અને અસાધુનાં ઘરમાં પાળેલો પોપટ એક રામ-રામ રટે છે, અસાધુનાં ઘરનો પોપટ ગણી ગણીને ગાળો દે છે. સંગદોષથી દુઃખ છે. સાધુ આકાર જ નહીં સાધુ વિચાર પણ મનમાં આવી જાય તો પણ સુખ મળે છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, વિષ્ણુ-હરિ એટલે પાલન કરનાર પાલકની વાણી વાત્સલ્ય ભરેલી હોય છે. વાત્સલ્યથી સમજાવવું મુશ્કેલ છે. હર એટલે શિવ-મહાદેવ. મહાદેવની વાણીમાં ગંગા છે. કવિની વાણી તો અલંકારોથી ભરેલી છે. કવિ વિભૂતિ છે. કહે છે કે આપણી વાત બ્રહ્મસભામાં રજૂ કરવી, બ્રહ્મ એટલે અહીં બ્રાહ્મણ. આપણા મોહજન્ય ભ્રમ-ભ્રાંતિ તોડે તે બ્રાહ્મણ. બ્રહ્મસભામાં જે રજુ થાય એ જ ઉંચાઇ કવિની માનવામાં આવી છે. જો બ્રાહ્મણ ન મળે તો કવિને, ગ્રામિણને, ચારણને સંભળાવો. અરે શ્રાવણના સંભળાવો, એ જ રીતે કોબિદ એટલે પંડિત. ભરતચરિત્રમાં મનિ વસિષ્ઠ પણ સાધુ-ભરત વિશે બોલવામાં સંકોચાય છે એ જ રીતે ખુદ રામ પણ સાધુ-ભરતનો મહિમા ગાવામાં સંકોચાય છે.

વિષ્ણુ સહસ્ત્ર નામમાં નામ મહિમા છ, સાધુ મહિમા એથી પણ વિશેષ છે. બાપુએ કહ્યું કે આપણે એવા સદ્ગુરૂનો પ્રાપ્ત કરીએ એવું ઇશ્વર પાસે માંગીએ. આટલા વરસના અનુભવથી કહું તો આપણે શા માટે દુઃખી છીએ એનું કારણ સંગદોષ છે. ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યો કહ્યાઃ દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે, ઉપાય શકય પણ છે. એ જ રીતે તલગાજરડું કહે છે કે સુખ છે, સુખનું કારણ છે, સુખનો ઉપાય પણ છે, શકય પણ છે.

(4:07 pm IST)