Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

દ્વારકાને વરસાદે ધમરોળી નાખ્યુઃ જીવનજરૂરી વસ્તુઓની અછત

અડધા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવઃ ૩૬ કલાકથી વિજ પુરવઠો ઠપ્પઃ અનેક રસ્તાઓ બંધઃ પાણી નિકાલ સિસ્ટમ ખરે ટાણે જ કામ ન લાગી

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં રવિવારથી શરૂ થયેલ મેઘમહેરનાં કારણે સર્વત્ર પાણી... પાણી.. થઇ ગયુ હતું. અને અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૯ :.. દ્વારકા શહેરમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે તોફાની પવન સાથે નવ ઇંચ વરસાદ થયો છે જયારે મોસમનો કુલ વરસાદ ર૭ ઇંચ નોંધાયો છે. ગત રાત્રીના આખી રાત વરસાદની ધોધમાર હેલી એ સમગ્ર શહેરને ધમરોળી નાખ્ય છે તો વધુ ભારે વરસાદના કારણે શહેરને અર્ધા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.

જેના કારણે વિજ પુરવઠો છેલ્લા ૩૬ કલાકથી બંધ હોય જેથી જીવન જરૂરીયાતની તમામ સુવિધાથી નાગરીકો વંચિત છે. શહેરમાં દૂધ-શાકભાજી જેવી અનેક ચીજ વસ્તુઓની અછત જોવા મળે છે તાલુકામાં પણ ભારે વરસાદના કારણે તમામ જોડતા રસ્તાઓ બંધ થઇ ગયા છે જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દૂધ-શાકભાજી, જેવી અનેક સમસ્યાઓ ઉભી થઇ છે.

શહેરમાં ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી ભદ્રકાળી ચોકમાં પાણી ભરાતા આંધ્ર બેંક (એકસસ બેંક, એચ. ડી. એફ. સી. બેંક), સેન્ટ્રલ બેંક, સહિતમાં પાણી બેંકોમાં ઘુસી જતા તમામ બેંકોના વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે. જેથી નાગરીકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી પંપની સીસ્ટમ દશેરાના ઘોડા ના દોડે તેમ શરૂ ન થતા પાણીનો નિકાલ થવા ના કોઇ એંધાણ જોવા મળતા નથી. જેથી હજુ સુધી સરકારી તંત્ર ઉંધમાં જ હોય તેવું  નાગરીકો અનુભવી રહ્યા છે.

(11:47 am IST)