Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખોખરાના ૬૦ વર્ષિય વડીલે કોરોનાને હરાવ્યો

મનોબળ મજબુત હોય તો કોરોનાને મહાત આપી શકાય

ભુજ, તા.૯: તમારામાં કોઇપણ રોગ સામે લડવા માટે મનોબળ મજબુત હોય તો ગમે તેવા જોખમી દર્દને મહાત આપી શકાય છે. તો પછી કોરોનાની કોઈ વિસાત જ નથી. એ હકીકતને અંજાર તાલુકાના ખોખરા ગામના ૬૦ વર્ષીય પૂર્વ સરપંચે અદાણી સંચાલિત જી.કે. જનરલ કોવીડ હોસ્પિટલમાં ચરિતાર્થ કરી કોરોના સામે ૩૭ દિવસનો જંગ ખેલી મહામારીને પરાસ્ત કરી છે.

અંજાર તાલુકાનાં ખોખરા ગામના ભરતસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને ૧લી જુને જી.કે. કોવીડ-૧૯માં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ, સાથે ડાયાબીટીસ, બી.પી., શ્વાસ ચઢવા સહિત કોરોનાના તમામ લક્ષણો હતા જ એક બાજુ ૬૦ વર્ષની ઉમર અને બીજી તરફ રોગોની ભરમાર અને કોરોના વચ્ચે દર્દી તબીબો માટે પડકાર બની ગયા હતા.

પરંતુ, તબીબો કસોટીની એરણ ઉપર ચઢે તે પહેલા જ દર્દીએ જાતે જ સકારાત્મક પ્રતિભાવ (પોઝીટીવ રિસ્પોન્સ) આપવાનું શરુ કરી દીધું. અનેક દર્દીઓ વચ્ચે પણ જાણે તેમને કશું જ થયું નથી. એવી માનસિકતા મજબુત કરી લીધી. પરિણામે તબીબો માટે કાઉન્સેલીંગનું કામ સરળ થઇ ગયું. તબીબો સહિત તમામ સારવાર કરતા સ્ટાફ સાથે તેમણે જાતે જ દ્યર જેવું વાતાવરણ ઉભું કરી દેતા હોસ્પિટલનું કામ સરળ કરી આપ્યું દરમિયાન તેમણે ૯મી જુને ૬૦મો જન્મદિવસ પણ ઉજવ્યો.

હોસ્પિટલનાં ફીઝીશીયન અને રેસી. ડો. રૂબી પટેલે કહ્યું કે, દર્દીને પ્રારંભનાં શ્વાસની તકલીફને કારણે બાયપેપ ઉપર રાખ્યા પછી ૩૦મી જુન પછી ઓકસીજન ઉપર રાખવામાં આવ્યા હતા. સાથે IMCRના માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી. આ સારવારમાં દર્દીના સકારાત્મક અભિગમે સોનામાં સુગંધનું કામ કર્યું. છેવટે ૩૭ દિવસની બંને દર્દીઓ ડોકટરની મહેનતે કોરોનાને હરાવ્યું. વિદાય ટાંકણે તેમણે હોસ્પિટલની સારવાર- સહકારનો આભાર માન્યો હતો. એમ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે જણાવ્યું હતું.

આ સારવારમાં ફિઝીશીયન ડો. દીપક બલદાનીયા, ડો. નિરાલી ત્રિવેદી, ડો. જયંત સથવારા, ડો. યેશા ચૌહાણ, ડો. ક્રીશ જીવાણી, ડો. દીપ ઠક્કર, ડો. ચંદન ચુડાસમા, ડો.ખ્યાતી તેમજ ડો. પૂજા કુમાંકીયા સારવારમાં જોડાયા હતા.(

(11:36 am IST)