Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કચ્છ પંથકમાં ગુન્હાહિત કૃત્યોમાં સંડોવણી બદલ એક સરપંચ અને બે ઉપસરપંચ સસપેન્ડ

ડેડરવાના સરપંચ તેમજ મોટા ધાવડા અને ગાગોદરના ઉપ સરપંચ સસપેન્ડ કરાયા

ભુજ :રાપર તાલુકાના ચિત્રોડ ગામે વિકાસકામોની ચકાસણી કરવા આવેલા અધિક મદદનીશ ઈજનેરને માર મારવા સબબ ડેડરવાના સરપંચ રવિરાજભાઈ રણછોડભાઈ મકવાણાને તેમના હોદ્દા પરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.ગત તા. પ-૪-૧૯ના મૂળ પાલનપુરના અને હાલે રાપર તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઈજનેરનો ચાર્જ સંભાળતાં સંજયકુમાર દેવજીભાઈ ચૌધરીને ચિત્રોડના સરપંચ પુત્ર સામતભાઈએ ગામની આરાબા પીરની દરગાહની દિવાલના કામની નિરીક્ષણ માટે બોલાવ્યા હતા. ઈજનેર સ્થળ પર પહોંચ્યા ત્યારે સામતભાઈ અને તેના ભાઈ અભુ કાનાભાઈ ખોડ અને ડેડરવાના સરપંચ રવિરાજ રણછોડ મકવાણાએ હવે તેને દિવાલ દેખાડું છું તેમ કહી ઓફિસમાં પડેલી લાકડીથી વારફરતી શ્રી ચૌધરીને મારમારી બિભત્સ ગાળો આપી હતી અને જા આ વાત કોઈને કરે તો ખોટી રીતે ગુનામાં ફીટ કરાવી તારી લાશ પાલનપુર તારા વતનમાં નાખી આવીશું તેવી ધમકી આપી હતી આ બનાવમાં ઈજનેર ચૌધરીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને જે અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતાં આડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે કેસમાં સામતભાઈ અને અભુભાઈ પાસા તળે જેલમાં છે, જયારે ડેડરવા સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામના ઉપસરપંચ મહાવીરસિંહ ગેમરસિંહ સોઢાની બળાત્કારના કેસમાં સંડોવણી બદલ તેમને હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. ગત ૧૭-૧૦-૧૮ના નવરાત્રી દરમ્યાન ઉપસરપંચ મહાવીરસિંહે ગામની સગીર કન્યા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કારણ દર્શક નોટીસ પાઠવાઈ હતી. મહાવીરસિંહ સોઢા ગામના ઉપસરપંચનો હોદ્દો અને ગામના પ્રથમ પ્રતિષ્ઠીત વ્યક્તિ હોવાના નાતે ગામ લોકોના રક્ષકની જવાબદારી તેમના શીરે હોય છે, ત્યારે તેઓએ ગંભીર ગુનો આચાર્યો હોઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ તળે તેઓને હોદ્દા પરથી ફરજ મોકૂફ કર્યા છે.

 ગાગોદર ગામના વરસુભા જાડેજાના મર્ડર કેસના આરોપી એવા ગામના જ ઉપરસપરં મોડજી દુદાજી ખોડને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો હત્યાનો બનાવ ગત તા. ૧૭-૧ર-૧૮ના બનવા પામ્યો હતો. ગામના વરસુભા હેમુભા જાડેજા રાત્રીના સમયે બજારમાં ઘી લેવા ગયેલા ત્યારબાદ તેઓ દોડતા દોડતા ઘરે આવેલા ત્યારે તેમણે પત્નીને જણાવ્યું કે, ગામના ઉપસરપંચ મોડજી દુદાજી ખોડ અને તેનો ભાઈ હરીભાઈ દુદાજી ખોડ મને મારવા આવે છે. ઘરે પહોંચ્યા ત્યારે વરસુભાના માથામાંથી લોહી નિકળતું હતું. બાદમાં તેમને સરકારી દવાખાને ખસેડાયા હતા અને જયાં તેમનું મોત નિપજ્યું હતું. આ ગુના કામે તેમના પત્ની ઈન્દ્રાબા જાડેજાએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે કેસમાં જે તે સમયે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટીસની બજવણી કરાઈ હતી. મોડજી ખોડ ગાગોદર પંચાયતના ઉપસરપંચનો હોદ્દો ધરાવતા હોય ગામ લોકોના રક્ષણની વૈધાનિક જવાબદારી તેમના શીરે આવે છે, ત્યારે મર્ડર કેસમાં સંડોવણી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(7:55 pm IST)