Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

માખાવડ-સાંગણવામાં પકડાયેલ ગંભીર વાયુ અને ભૂ-જળ પ્રદુષણ સંદર્ભે ઉદ્યોગના માલીક અને બે જમીન માલીકોને નોટીસ

ધંધો સંપૂર્ણ બંધ કરી દેવા અને તમામ મશીનરી-સામાન ખસેડી લેવા પણ આદેશો : ફોજદારીની કલમ ૧૩૩-૧૩૮ મુજબ કાર્યવાહીઃ ૧ર મીએ સુનાવણીઃ જો હાજર ન થાય તો કડક પગલા...

રાજકોટ તા. ૯ :  તાજેતરમાં લોધીકા તાલુકામાં મેંગણી-સાંગણવા ગામની સીમાંડે પ્રદુષણ ઓકતા બે એકમો ઉપર રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશ દ્વારા દરોડા પડાયા હતાં. અને લાખોની કિંમતનો મુદામાલ, બે ટાંકા, પ ટ્રક લાકડા, બોઇલર મશીનરી, જનરેટર સેટ, પ હજાર નંગ ભૂકી, ટાયરોનો જથ્‍થો, પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મટીરીયલની ગુણીઓ વિગેરે મળી આવ્‍યા હતાં.

આ એકમોમાં ગેરકાયદેસર રીતે વીજ વપરાશ થતો હોવાનું બહાર આવ્‍યું હતું, મોટી માત્રામાં ઓઇલ ઢોળાયાનું જણાયું હતું.

આ બધુ જપ્ત કર્યા બાદ ગઇકાલે રાજકોટ રૂરલ પ્રાંત ડો. ઓમ પ્રકાશે ફોજદારી અધિનીયમ ૧૯૭૩ ની કલમ ૧૩૩ તથા કલમ ૧૩૮ મુજબ ધંધાના સંચાલક કે માલિક મહેશભાઇ પટેલ અને જમીન માલિક પ્રતિપાલસિંહ જાડેજાને નોટીસ ફટકારી તા. ૧ર ના રોજ હાજર રહેવા આદેશો કર્યા છે.

આવી જ રીતે માખાવડ ગામમાં પણ એક ઔદ્યોગીક યુનિટ ઝડપાયું હતું, ત્‍યાં પણ ઉપરોકત પ્રકારનો જથ્‍થો ઝડપાયો હતો, આ ઉપરાંત અહીંથી સોનાલિકા ટ્રેકટર, બે હેલોજન લાઇટ, ફોર વ્‍હીલ કાર, મોટર સાયકલ, પ ટ્રક લાકડા, મળી આવ્‍યા હતાં.

આ ઉદ્યોગના સંચાલક-માલિક, મહેશભાઇ પટેલ, અને જમીન માલિક હકાભાઇ સુમરાને નોટીસ ફટકારી ૧ર મી જૂલાઇએ હાજર થવા હુકમો કર્યા છે.

આ નોટીસમાં અપાયેલ નિર્દેશ મુજબ જો પાલન નહિ થાય તો છ મહિનાની કેદની સજા અથવા ૧ હજાર સુધીના દંડની જોગવાઇ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે તેવી ચેતવણી પણ બંને નોટીસમાં અપાઇ છે.

(3:34 pm IST)