Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જુનાગઢની લીલેશ્વર ટ્રેડીંગ કંપનીના ભાગીદારો સામે રૂ. ૪.૩૧ લાખની છેતરપીંડીની ફરીયાદ

લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર : ઘાણા-જીરૂની ખરીદી કરી નાણા આપવાને બદલે ભાગી ગયા

 જુનાગઢ, તા. ૯ :  જુનાગઢમાં લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર વેપારી પેઢી લોલેશ્વર ટ્રેડીંગ કંપનીના ભાગીદારો સામે આખરે રૂ. ૪.૩૧ લાખની છેતરપીંડી વિશ્વાસઘાતની ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢના દોલતપરા ખાતેના માર્કેટીંગ યાર્ડ સ્થિત લોલેશ્વર ટ્રેડીંગ કંપની નામની વેપારી પેઢીએ અનેક ખેડૂતો પાસેથી તાજેતરમાં ધાણા, જીરૂ વગેરે જણસની મોટાપાયે ખરીદી ખેડૂતો વગેરેને નાણા ચુકવ્યા વગર ફુલેકુ ફેરવીને પેઢીનાં ભાગીદારો નાસી ગયા હતાં.

જેમાં પેઢીનાં ભાગીદાર કૈલાસ ઠુંમરે આપઘાતનો પ્રયાસ કર્યાનું પણ પ્રકાશમાં આવેલ.

જુનાગઢનાં વેપારી ધર્મેશભાઇ પ્રવિણભાઇ ઠેસીયાએ લોલેશ્વર ટ્રેડીંગ કંપનીના ભાગીદારો કૈલાસ મગનભાઇ ઠુંમર અને વિજય રસીકલાલ ફલીયા (રે. બંને સરગવાડા) વિરૂધ્ધ ગત રાત્રે એ. ડીવીઝનમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ કરી છે.

ધર્મેશ ઠેસીયા પાસેથી લોલેશ્વર ટ્રેડીંગ કંપનીનાં બંને ભાગીદારોએ ખેત પેદાશની ખરીદી કરી નાણાં રેગ્યુલર ચુકવી આપી વિશ્વાસમાં લીધા હતાં.

પરંતુ તા. ર૮-પ-૧૯ થી તા. ૧-૬-૧૯ દરમ્યાન બન્ને શખ્સોએ ધર્મેશભાઇની પેઢીમાંથી રૂા. ૪,૩૧, ૦૯૯ ની કિંમતના ધાણા તથા જીરૂની ખરીદી કરી તેના નાણા નહિ ચુકવી પોતાની પેઢીને તાળા મારી કૈલાસ ઠુંમર અને વિજય ફલીયા નાસી જઇ વિશ્વાસઘાત, છેતરપીંડી આચરી હોવાની ધર્મેશ ઠેસીયાએ ફરીયાદ કરતાં પી. એસ. આઇ. પી. જે. રામાણીએ તપાસ હાથ ધરી છે.

(1:51 pm IST)