Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જડમુળથી કુપોષણને નાબુદ કરવા આંગણવાડી કાર્યકર બહેનોને સાંસદ પુનમબેનનનું આહવાન

જામનગરમાં જિલ્લાના આંગણવાડી- તેડાગર બહેનોનું યશોદા એવોર્ડથી સન્માન

જામનગર તા. ૯ :  ગુજરાત સરકાર દ્વારા  પ્રધાનમંત્રીશ્રીના ''સહિ પોષણ દેશ રોશન''ના આહવનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટે ''સુપોષણ ચિંતન સમારોહ'' તથા સતત સેવારત રહેતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી વિતરણ સમારોહને સાંસદશ્રી પૂનમબેન માડમન હસ્તે દિપપ્રાગટ્ય કરી ખૂલ્લો મુકવામાં આવેલ હતો. 

આંતરીયાળ વિસ્તારની બહેનોને જાગૃત કરવાનું કામ આઇ.સી.ડી.એસ. વિભગના આંગણવાડી કાર્યકરો અને તડાગર બહેનો દ્વારા કરવામાં આવે છે તે બદલ તેઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજય સરકાર બાળકો તંદુરસ્ત રહે તે માટે સતત કાર્યશિલ છે.   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મહિલાઓ અને બાળકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી હતી અને હાલ પણ તેઓ બાળકોની તંદુરસ્તીની  ચિંતા કરતા પોષણ યોજના અમલમાં મુકેલ છે.

જડ મુળથી કુપોષણે નાબુદ કરવા ઉપસ્થિત આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને ''સહિ પોષણ – દેશ રોશન'' ના સંકલ્પ સાથે આગળ વધવા આહવાન કરતા સાંસદશ્રી માડમે પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ પોષ્ટીક આહારની કૃતિઓને જિલ્લાના દરેક ગામડાઓમાં યોજવા સુચન કરી જિલ્લાનો આંતરયાળ વિસ્તાર પણ પોષ્ટીક આહારની બાબતમાં જાગૃત થાય તે માટે જરૂરી તમામ પગલા લેવા જણાવેલ હતું. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારિકે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે, કોઇ પણ બાળક કુપોષિત ન રહે તે  વડાપ્રધાનશ્રીના લક્ષ્ય ને સાકાર કરવાનો અવસર આજે આપણને આ યોજના થકી મળેલ છે. જિલ્લામાં કોઇ બાળક કુપોષિત ન રહે તે માટે જિલ્લા પંચાયત સતત કાર્યશિલ છે.  

જિલ્લા પંચાયત જામનગર તથા મહાનગરપાલિકા જામનગરનાં આંગળવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાંસદશ્રી પૂનમબેન માડમ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૧૭-૧૮ના માતા યશોદા એવોર્ડ તાલુકા ઘટકના ૯ આંગણવાડી કાર્યકરને રૂ. ૨૧૦૦૦ના  તથા ૮ તેડાગર બહેનોને રૂ. ૧૧૦૦૦ ના ચેકોનું વિતરણ કરવામાં આવેલ હતું.

માતા યશોદા એવોર્ડના વિતરણ બાદ આંગણવાડી તથા તેડાગર બહેનોને સાડી વિતરણ, પોષણ કીટ રૂપે સુખડિનું વિતરણ તથા બાળકોના પોષણ સ્તર માટેના રજીસ્ટરનું વિમોચન અને ભારત સરકાર પુરસ્કૃત વન સ્ટોપ સેન્ટરનો શુભારંભ, જામનગર જિલ્લા તથા શહેરમાં રોટા વાઇરસ વેકસીનનો શુભારંભ સાંસદશ્રી પૂનમબેન માડમ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાં મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, મહિલા અને બાળ વિકાસ સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીમતિ સુલતાનાબેન ખ્યાર, કલેકટરશ્રી રવિશંકર, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:06 pm IST)