Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જાહેર સુખાકારીની યોજનાઓ ગામડા સુધી પહોચાડવા તંત્ર લોકો વચ્ચે તાલમેલ જરૂરી : રાજયમંત્રીશ્રી જાડેજા

અમરેલી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક મંત્રીશ્રી જાડેજાની અધ્યક્ષતામાં સંપન્ન

અમરેલી તા. ૯ : સરકારની લોકહિતકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા લોકો અને તંત્રનો તાલમેલ ખુજ આવશ્યક હોય છે એમ જિલ્લાના વિકાસની સમીક્ષા બેઠકને સંબોધન કરતા અમરેલી જિલ્લાના પ્રભારી અને અન્ન, નાગરિક પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી જાડેજાએ અધિકારીઓને જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવા માટે જિલ્લાથી માંડીને ગામડા સુધીના નાનામાં નાના કર્મચારીનો સહયોગ મહત્વનો હોય છે ગામડાની જરૂરિયાતને પારખી ગુણવત્ત્।ા સભર વિકાસ કાર્યોને આગળ ધપાવવા તેમને ભારપૂર્વક જણાવ્યું હતું.

વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ લોકોને આ તમામ યોજનાઓ પહોંચાડવા તાકીદ કરી હતી. વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર સાથે મળીને સારું કાર્ય કરવાનો જયારે મોકો મળ્યો છે ત્યારે જિલ્લાનો એક પણ વ્યકિત આ યોજનાઓથી વંચિત ન રહે તે દિશામાં કાર્ય કરવા સર્વેને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે તાજેતરમાં સાંસદશ્રીની પ્રધાનમંત્રીશ્રી સાથેની મુલાકાત દરમિયાન થયેલી વાતચીતને યાદ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી વૃક્ષારોપણને લઈને ખુબ જ ચિંતિત છે અને દરેક અધિકારીઓને તથા નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરાવવા માટે તેમણે અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આયોજનની કમિટી, આગામી પ્રજાસતાક દિવસની ઉજવણી અને વન મહોત્સવના સ્થળ જેવા વિષયો બાબતે પ્રભારીમંત્રીશ્રી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

આજે ચૂંટણી પછી પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક મળી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયાએ પ્રભારી મંત્રીશ્રીનું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયાએ સાંસદશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જિલ્લાના તમામ અધિકારીઓએ પ્રભારી મંત્રી સમક્ષ પોતાનો પરિચય આપીને બેઠકની શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લાના અધિક નિવાસી કલેકટરશ્રી એ. બી. પાંડોરે નિકાલમાં બાકી રહેલા પ્રશ્નોની સવિસ્તાર ચર્ચા કરી હતી અને પ્રભારી મંત્રીશ્રીએ જે તે વિભાગના વડા પાસેથી થયેલ કાર્યવાહીનો ચિતાર મેળવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય, નાયબ વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય, માહિતી, ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, વાહનવ્યવહાર જેવા તમામ સરકારી વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા.

(12:03 pm IST)