Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વરસાદ ખેંચાતા લોધીકા પંથકમાં ખેડૂતોમાં ચિંતા

ત્રણ-ત્રણ વરસથી અપુરતા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાનો ભય

લોધીકા તા.૯ : છેલ્લા ત્રણ ત્રણ વર્ષોથી અપુરતા વરસાદનો ભોગ બની રહેલ લોધીકા પંથકના કિશાનોને માથે આ વર્ષે પણ સમયસર વરસાદ ન થતા પડયા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના કાંઠેથી પસાર થઇ ગયેલ વાયુ વાવાઝોડાની અસરને પરિણામે સૌરાષ્ટ્રમાં વરસાદ થયેલ જો કે તે વખતે લોધીકા પંથકમાં થોડો ઘણો વરસાદ પડેલ પરિણામ સ્વરૂપ સારા વરસાદની આશમાં કિશાનોએ મોંઘા મુલના દવા બિયારણ ખાતર ખરીદી વાવેતર કરી દીધેલ પરંતુ ત્યારબાદ વરસાદ ખેચાતા અને આ પંથકમાં વરસાદ નહી પડતા ખેડૂતોએ ઉછી ઉધારા કરી કરેલ વાવેતર નિષ્ફળ જવાની નોબત આવી છે.

આ અંગે વધુમાં વિગતો જણાવતા ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, લોધીકાના વિનુભાઇ ઘેટીયા, આંબાભાઇ રાખૈયા, દિલીપભાઇ ઘીયાળ સહિતના કિશાનોએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અપુરતા વરસાદને પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોળી બની ગયેલ છે. અધુરામાં પુરૂ ગત વર્ષનો પાક વિમો પણ મળેલ નથી આવી પરિસ્થિતિમાં આ વખતે પણ વાવેતર પછી વરસાદ ખેંચાતા ખેડૂત દયનીય સ્થિતિમાં મુકાઇ ગયેલ છે.

નજીકમાં કયાંય મોટા ડેમ તળાવ ન હોય તથા કુવા બોરના તળીયા દેખાય ગયેલ હોય એક માત્ર વરસાદનો આધાર હોય અને તે પણ ખેંચાય જતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયેલ છે.

(11:59 am IST)