Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કચ્છમાં હિન્દુસ્તાન પેટ્રોલીયમના પાઇપલાઇનમાંથી ડિઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇઃ ૧૨ લાખનો મુદામાલ જપ્ત

ઓઇલ પાઈપલાઈનની ચોકી કરતા સીઆઈએસએફ ખાનગી સિકયુરિટી ગાર્ડસ દ્વારા સુરક્ષા કે સાંઠગાંઠ? ઓઈલચોરીના વધતા જતા બનાવો પછી અનેક સવાલો

ભુજ, તા.૯: ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતી બે અલગ અલગ ગેંગને ઝડપીને ૧૨ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કંડલાથી ખારી રોહર જતી હિંદુસ્તાન પેટ્રોલીયમની પાઇપ લાઈનમાં પિલર નંબર ૨૦૩/૨૦૪ પાસેથી ઓઇલ ચોરી કરતા પાંચ શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા ઓઈલચોરો અભુ આમદ ખોડ (ટપ્પર), કાસમ ઇબ્રાહિમ કુંભાર (ભચાઉ), રાજેશ પરબત રબારી (ભીમાસર), અલ્તાફ આમદ કોરેજા (ખારી રોહર), જુસબ રમજુ કુંભાર (ટપ્પર) પાસેથી પોલીસે ડીઝલ સહિત વાહનો સાથે કુલ ૧૨ લાખ ૩૧ હજાર ૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જેમાં ૧૯૨૦ લીટર ડીઝલ કિ. રૂ., ૧,૨૮,૬૪૦, ૫૪ કેરબા, નળીઓ, બે વાહનો બોલેરો જીપ કિં. રૂ. ૫ લાખ, આઈ ૨૦ કાર કિ.રૂ. ૬ લાખ નો સમાવેશ થાય છે. જયારે અન્ય કિસ્સામાં વધુ બે ઓઈલચોરોને પોલીસે ઝડપી તેમની પાસેથી ૨૪૫ લીટર ડિઝલનો જથ્થો કિં. રૂ. ૧૬,૪૧૫ જપ્ત કર્યો હતો. આરોપીઓ અબ્બાસ કેસર સોઢા અને મુસ્તાક અબુ કકલ બન્ને રહે. ખારીરોહરની ધરપકડ પોલીસે કરી હતી આ કામગીરી આઈજી ડી.બી. વાઘેલા અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી પીઆઇ જે.પી. જાડેજા અને સ્ટાફે પાર પાડી હતી.

જોકે, ઓઇલ પાઇપલાઇનની સીઆઈએસએફ અને પ્રાઇવેટ સિકયુરિટી ગાર્ડસ દ્વારા ચોકી કરાય છે. પણ, ચોરીના બનાવો પછી સિકયુરિટી સામે સાંઠગાંઠના સવાલો ઉઠી રહ્યા છે.

(11:57 am IST)