Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગોંડલ પાલિકાની કમિટીઓના ચેરમેનોની નિયુકિત

ગોંડલ, તા.૯: ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકા માં વિવિધ કમિટીઓના ચેરમેન પદની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂક માટે નગરપાલિકા કચેરીમાં મળેલ જનરલ બોર્ડ પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા ઉપપ્રમુખ અર્પણા બેન આચાર્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપ માવડી ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ જેન્તીભાઈ ઢોલ ની સુચના મુજબ આંશિક ફેરફાર સાથે ચેરમેનોની નિમણૂક કરાઈ હતી જેમાં બાંધકામ અને વોટરવર્કસ જેવા મહત્વના ખાતામાં નોંધનીય ફેરફાર કરાયા હતા ભાજપ સદસ્ય પ્રવિણાબેન વદ્યાસીયા ના પતિ જયસુખભાઈ એ ચાલુ બેઠકમાં પોતાને ફાળવાયેલ ખાતુ નામંજૂર હોય પરત લેવાનું કહી વિરોધ કર્યો હતો.

નગરપાલિકાના વિવિધ ખાતાઓના વરાયેલ ચેરમેનનોમાં કારોબારી અધ્યક્ષ તરીકે સિનિયર ગણાતા પૃથ્વીસિંહ જાડેજાની વરણી કરાઈ છે જયારે મહત્વની ગણાતી બાંધકામ કમીટીમાં ચંદુભાઈ ડાભીને જગ્યાએ કૌશિકભાઈ પડાળીયા એ ચેરમેન પદનું સુકાન સંભાળ્યું છે, એ જ રીતે મહત્ત્વની ગણાતી વોટર વર્કસ કમિટિના યુવા સદસ્ય અનિલભાઈ માધડની ચેરમેન પદે વરણી કરાઈ છે, અન્ય કમિટીમાં વાહન વ્યવહાર કમિટી ગૌતમભાઈ સિંધવ, વીજળી કમિટી રવિભાઈ કાલરીયા, સેનિટેશન કમિટી સવિતાબેન મકવાણા, સ્ટાફ સિલેકશન વિજયાબેન વાવડીયા, માધ્યમિક શિક્ષણ મુકતાબેન કોટડીયા, હેલ્થ કમિટી મનીષાબેન સાવલિયા , આવાસ યોજના ચેતનભાઇ ઠુંમર, વેજીટેબલ કમિટી રંજનબેન સરધારા, ટાઉન પ્લાનિંગમાં નિર્મળાબેન ધડુકની વરણી કરાઈ છે, સદસ્યા પ્રવિણાબેન વદ્યાસિયાને એન યુ એલ એમ કમિટી સોંપતા તેમના પતિ જયસુખભાઇ વદ્યાસિયાએ ચેરમેન પદ સ્વીકારવાનો વિરોધ કરી નારાજગી દર્શાવી હતી, આ અગાઉ પણ જયસુખભાઇ વઘાસિયાએ ચેરમેન પદની વરણી વેળા મવડી મંડળના નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી.

નગરપાલિકા દંડક તરીકે ચંદુભાઇ ડાભી, શાસક પક્ષ નેતા તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઈ છે, કારોબારી અધ્યક્ષ બનેલા પૃથ્વીસિંહ જાડેજા નગરપાલિકામાં છેલ્લી સાત ટર્મથી અવિરત ચૂંટાતા હોય અને બહોળો અનુભવ ધરાવતા હોય તેમની નિમણૂક સરાહનીય બની છે, પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યએ નવી ટીમ સાથે શહેરના ઉતરોતર વિકાસ સતત ગતિશીલ રહે તેવા પ્રયત્નો સાથે તંત્રને દોડતું રહેશે શહેરની જનતાને કોલ આપ્યો છે.

એન.યુ.એલ.એમનો હવાલો ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યને સોંપાયો

નગરપાલિકામાં ખાતાની વહેંચણી વેળા નવા ચેરમેનોની નિમણૂક વચ્ચે એનયુએલએમ કમિટી અંગે જેને ચેરમેન નિમાયા હતા તે પ્રવિણાબેન વદ્યાસીયા એ નારાજગી દર્શાવી ખાતું લેવાની ના કહેતા મોવડી મંડળે શિસ્તનો કોરડો ઉગામીને એનયુએલએમ કમિટી ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યને વધારાના હવાલા તરીકે સોંપી દેવાયું છે ચેરમેનની નિમણૂકમાં તમામ સભ્યોને પૂરતો ન્યાય મળે તેવો હેતુ ભાજપ દ્વારા રખાયો હોવા છતાં પ્રવિણાબેન વદ્યાસિયાએ વિરોધ દર્શાવતા મોવડી મંડળે આંખ લાલ કરી હતી હવે આ કમિટીનો કાર્યભાર ઉપપ્રમુખ સંભાળનાર છે.

શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સંગીન બનાવાશે-અનિલભાઈ માધડ

નગરપાલિકામાં વોટરવર્કસ કમીટી માં નવાં વરાયેલાં યુવા ચેરમેન અનિલભાઈ માધડે શહેર માટે મહત્વ ની પાણી વ્યવસ્થા અંગે જણાવ્યું કે શહેરનાં દ્યણાં ખરાં વિસ્તારો માં પાણી વ્યવસ્થા કથળવાને કારણકે યોગ્ય સમયે પાણી મળતું નથી અને કયારેક પ્રજા ને હાલાકી વેઠવી પડે છે.વોટરવર્કસ વિભાગ ગ્રાઉન્ડ લેવલે કામગીરી બજાવી ખાસ કરી જેતે વિસ્તારના વાલમેન નું મોનીટરીંગ કરશે.પાણી વિતરણ માં દિલદગડાઇ હરગીઝ ચલાવી લેવાશે નહી,ભાજપ મોવડી અને ધારાસભ્ય નાં સંન્નિષ્ઠ પ્રયાસો થી સૌની યોજના અંતર્ગત હાલ પાણી ની અછત નથી,પરંતું વિતરણ વ્યવસ્થા મજબૂત જોઈએ.અમારી અગ્રતા તમામ વોડઁ માં વિતરણ વ્યવસ્થા અંગે રહેશે, હાલ ત્રણ થી ચાર દિવસે પાણી મલે છે.પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની નેમ છે કે શહેરીજનો ને એકાંતરા પાણી મલતું થાય. આ નેમ ને પરીપૂર્ણ કરી આગામી નજદિક નાં સમયમાં એકાંતરા પાણી વિતરણ કાર્યરત બનાવાશે.પાણી વિતરણમાં કોઇ પણ ખામી જણાય તો તુરંત વોટરવર્કસ વિભાગનો સંપર્ક કરવાં તેમણે અપીલ કરી છે.

(11:56 am IST)