Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભૂજ-માંડવી હાઈવે : ટ્રકની ટક્કરથી માતા-પુત્રનું મોત

બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી : ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા બીજા પુત્રને ફ્રેક્ચર સહિતની ઈજા : ફરાર ટ્રક ડ્રાઇવરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન

અમદાવાદ, તા.૮ : ભુજ-માંડવી હાઇવે પર આવેલા ખત્રી તળાવ નજીક રોંગસાઈડથી માંતેલા સાંઢની જેમ આવી રહેલી એક ટ્રકે એકટીવાર પર જઇ રહેલા માતા-પુત્રોને ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રના કરૂણ મોત નીપજયા હતા. આ અકસ્માતમાં ઘાયલ અન્ય પુત્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને માતા-પુત્રના મોતના સમાચાર જાણી સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, અક્સ્માતના કારણે ગભરાઇ ગયેલા ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો પરંતુ માનકુવા પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભુજના આશાપુરા મંદિર પાસે રહેતા જિજ્ઞાબેન તેમના બે પુત્રો ઓમ અને રુદ્ર સાથે એકટીવા પર માંડવીથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે ખત્રી તળાવ પાસે રોંગસાઇડમાં આવતી ટ્રકે તેમને ટક્કર મારતા એકટીવા પર સવાર માતા અને બન્ને પુત્રો રોડ પર ફંગોળાયા હતા. તમામને સારવાર માટે ૧૦૮ મારફત ભુજ જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે, માથા તથા શરીરના અન્ય ભાગે અતિ ગંભીર ઇજાના પગલે જિજ્ઞાબેન અને તેમના ચાર વર્ષીય પુત્ર ઓમને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જયારે રુદ્રને ફ્રેકચર સહિતની ઇજા પહોચતા હાલમાં તેને ભુજમાં સારવાર હેઠળ રખાયો છે. ભુજ-માંડવી હાઇવે પર આવેલા ખત્રી તળાવ પાસેનો માર્ગ અકસ્માત ઝોનમાં ફેરવાઇ ગયો હોય તેમ છાશવારે નાના-મોટા તો કયારેક જીવલેણ અકસ્માતની ઘટના ઘટતી જ રહે છે. તાજેતરમાં રોડ સેફટીની બેઠકમાં અકસ્માત સર્જતા માર્ગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની કરાયેલી તાકીદનો આ માર્ગ પર અમલ થાય તે માટે સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગ કરી હતી.

(7:39 pm IST)