Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જામકંડોરણા રહેતાં પ્રજાપતિ યુવાન હિરેન ફતેપરાનું દુધીવદર પાસે અકસ્માતમાં મોત

માતા-પિતાને જુનાગઢ મુકી પરત આવતી વેળાએ કાળ ભેટ્યોઃ બાઇકને ટાટા મેજીક ગાડીની ટક્કર લાગીઃ રાજકોટમાં મોતઃ બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

અકસ્માત સ્થળે બંને વાહન, ગંભીર ઇજાગ્રસ્ત હિરેનભાઇ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: જામકંડોરણાના ગુર્જર પ્રજાપતિ યુવાનનું ગામથી ત્રણેક કિ.મી. દુર દુધીવદર પાસે વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ જામકંડોરણામાં કન્યા છાત્રાલય પાસે રહેતાં હિરેનભાઇ મગનભાઇ ફતેપરા (ગુર્જર પ્રજાપતિ) (ઉ.૪૦) નામના યુવાનના ઘરે જુનાગઢથી તેના માતા ભાનુબેન અને પિતા મગનભાઇ ફતેપરા આવ્યા હોઇ ગઇકાલે તે બંનેને જુનાગઢ મુકવા ગયા હતાં. ત્યાંથી સવારે પરત જામકંડોરણા આવતી વેળાએ ગામથી ત્રણેક કિ.મી. દુર દુધીવદરના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ટાટા મેજીક ગાડી નં. જીજે૧૧એકસ-૦૯૭૨ની ઠોકર લાગી જતાં હિરેનભાઇ બાઇક પરથી ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં જામકંડોરણા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાત્રે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ કાગળો કરી જામકંડોરણા મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર બાઇકના શો રૂમમાં નોકરી કરતાં હતાં. બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં બે પુત્ર છે. તેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(12:20 pm IST)