Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતોના દેવા માફ કરવા માંગણી

વિજયભાઇ રૂપાણીને કલેકટરના માધ્યમથી આવેદનપત્ર પાઠવતા હર્ષદભાઇ રીબડીયા

 જૂનાગઢ તા.૯ : વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ જીલ્લા કલેકટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રાજયમાં દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડુતોના દેવા માફ કરવા માંગણી કરી છે.

હર્ષદભાઇ રીબડીયાએ વધુમાં જણાવ્યું છે કે, રાજયમાં છેલ્લા પાંચ વર્ષથી ઓછા વરસાદના કારણે પાકમોલ નિષ્ફળ જાય છે અને છેલ્લા ૧૦ વર્ષથી તો ખેડુતોના ખેતરની ઉત્પાદન જણસોના પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. જેના કારણે દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડુત દિવસે ને દિવસે વધુમાં વધુ આર્થિક બોજમાં આવતો જાય છે. હાલમાં ખેડુતોને પોતાના આર્થિક વહેવારો ચલાવવા તેના માટે પણ ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં વળી આ વર્ષે પણ ખેડુતોએ વાવણી કરી દીધા બાદ તેનું બિયારણ સદંતર નિષ્ફળ ગયેલ છે. તેટલું જ નહિ આ વર્ષે વિપરીત હવામાનના કારણે કેરી અને ચીકુ જેવા પાક પણ ૯૦% નિષ્ફળ ગયેલ છે.

૧ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે તે રાજયના ખેડુતો ભયંકર આર્થિક બોજમાં મુકાઇ ગયેલ ત્યારે તે ખેડુતોએ ૧૫૦ કી.મી. પગપાળા ચાલીને સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂકેલ ત્યારે તે મહારાષ્ટ્રની સરકારના પગતળે રેલો આવેલ અને તેમણે એકીઝાટકે દેવાના ડુંગર નીચે દબાયેલ ખેડુતોની વેદના સમજીને તાત્કાલીક ત્યાના ખેડુતોનું સંપુર્ણ દેવું માફ કરી દીધેલ.

પંજાબમાં પણ ગુજરાત જેવી જ પરિસ્થિતી હતી ત્યા કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન મનિન્દરસિંહે દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડુતોને આર્થિક બોજમાંથી બહાર કાઢવા તે ખેડુતોનું સંપુર્ણ દેવુ માફ કરી દીધેલ અને વિજળી અને ખેતઓજારોના ટેક્ષ પર પણ મોટી રાહત આપેલ છે.

અન્ય રાજયની જેમ ગુજરાતના ખેડુતોની પણ ભયંકર આર્થિક સ્થિતિ કપરી છે અને જે આર્થિક કપરી પરિસ્થિતિના કારણે ખેડુતો આપઘાત કરી રહ્યા છે. કારણ કે, તેના પેટનો ખાડો પુરવાના પણ ફાંફા છે. ત્યારે ગુજરાતના ખેડુતોની આવી દુર્દશાને ગંભીરતાથી ધ્યાને લઇ રાજય સરકારે ગુજરાતના ખેડુતોનું સંપુર્ણ આર્થિક દેવુ માફ કરવાની દિવસ - ૧૫માં જાહેરાત કરવી જોઇએ. નહિતર અશ્ચિત સમયે ગુજરાતભરમાં ખેડુતોની સાથે રાખી મહાત્માગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિશાન મોરચાના નેજા હેઠળ આંદોલનની શરૂઆત કરી ગાંધીનગર ઉમટી પડશે. તેવી ચિમકી હર્ષદભાઇ રીબડીયાએ આપી છે.(૪૫.૩)

(12:18 pm IST)