Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગીર જંગલ સહિતના વિસ્તારોમાં હજુ ૧૮૦૦૦ જેટલા કુવાઓ વનરાજાઓ માટે જોખમકારક

૧૮૪ સિંહના મોત મુદ્દે હાઇકોર્ટમા વનવિભાગનાં સોંગદનામામાં એકરારઃ ૨૦૧૯નાં અંત સુધીમાં કુવાઓને સંરક્ષીત કરી દેવાશે

રાજકોટ, તા.૯: સિંહોના રહેણાંક વિસ્તાર આસપાસ હજુ ૧૮૦૦૦ જેટલા જોખમી ખુલ્લા કુવાઓ હોવાનો વનવિભાગે હાઈકોર્ટમાં કરેલ સોગંદનામામાં એકરાર કર્યો છે. આ ખુલ્લા કુવાઓ સિંહો માટે જોખમી હોવાનું પણ સ્વીકાર કરી એક વર્ષમાં પેરાપેટ બાંધવાની કબુલાત આપી છે.

છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત મામલે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી આ અંગે વનવિભાગ પાસે ખુલાસા માંગ્યા હતા, જેમાં સિંહોના કમોત મામલે જવાબદાર ઘટનાઓમાં ખુલ્લા કુવાઓ મુખ્ય છે. આ ઉપરાંત રેલ્વેમાં કપાઈને પણ સિંહોના કમોત થયા છે. વિજશોકમાં પણ સિંહોના મૃત્યુ થયા છે. આ અંગે સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે સિંહોના રહેણાક વિસ્તારમાં ૫૦,૫૧૭ ખુલ્લા કુવાઓમાંથી ૩૨,૫૫૯ ખુલ્લા કુવાઓને રૂ. ૨૨.૩૦ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. જે માટે સરકાર તરફથી ખેડૂતોને રૂ. આઠ હજારથી લઈ ૧૬ હજાર સુધીની સહાય ચુકવવામાં આવી છે. હજુ ૧૭૯૫૮ ખુલ્લા કુવાઓ સિંહો માટે જોખમી છે. તેને ૨૦૧૯ના અંત સુધીમાં બાંધી દેવામાં આવશે. આ ઉપરાંત રાજુલા- પીપાવાવ રેલ્વે ટ્રેક જે રક્ષીત વિસ્તારમાંથી પસાર થાય છે તેને પણ ૪૦ કરોડના ખર્ચે છ માસમાં બાંધવામાં આવશે.

આ સિવાય વિજશોકથી બે વર્ષમાં માત્ર બે જ સિંહોના મોત થયા છે અને હવે તે માટે ગામડાઓના વનવિભાગ દ્વારા વિજતંત્રને સાથે રાખી પેટ્રોલીંગ વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું. ૧૮૦૦૦ જેટલા ખુલ્લા કુવાઓ સિંહો માટે જોખમ સર્જાયુ છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવી કબુલાત કરી છે કે કુવાઓને ઢાંકવાના કામ હજુ બાકી છે. ગુજરાતના એક માત્ર એશીયાટીક સિંહોની રક્ષા સામે કેટલા પડકારો ઉભા છે જે પૈકી ખુલ્લા જોખમી કુવાઓમાં સિંહ કે સિંહબાળ પડી જાય છે ત્યારે તેનું કમકમાટીભર્યુ મોત થાય છે. ખુલ્લા કુવાઓ અંગે વર્ષોથી કાર્યવાહી થાય છે. પરંતુ તેમાં પ્રગતી થતી નથી. સરકારે પ્રાઈવેટ પાર્ટીઓ અને ઉદ્યોગ જુથોને આ કામગીરી સોંપી હતી. પરંતુ તેના હજુ સુધી કોઈ સફળતા મળતી નથી. સરકારે હાઈકોર્ટને એવું વચન આપ્યું છે કે ૨૦૧૯ના અંત સુધીમાં તમામ ખુલ્લા કુવાઓને સંરક્ષીત કરી દેવામાં આવશે.(૨૨.૪)

(12:14 pm IST)