Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કોડીનાર પાસે ટ્રક ચાલકે મોટર સાયકલને ઉલાળ્યું: દિપુ પરમારનું મોત, મિત્ર ગંભીર

યુવાન પુત્રનો ભોગ લેવાતા કડોદરાના પરિવારમાં અરેરાટી : ઇજાગ્રસ્ત વેરાવળ સારવાર હેઠળ

કોડીનાર, તા. ૯ : કોટા રોડ ઉપર વધુ એક અકસ્માતમાં કડોદરા ગામના આશાસ્પદ યુવાનનું મોત નિપજયું છે. જયારે એના મિત્રને ગંભીર ઇજા પહોંચી છે.

વિગત મુજબ કડોદરા ગામનો દિપુ ઉર્ફે જેન્તી પરમાર તથા મંગળભાઇ સીદીભાઇ નામના યુવાનો હોન્ડા સાઇન નં.જીજે.૩ર-એફ-ર૦૪ર ને લઇને કાજ ગામેથી માલગામે જઇ રહ્યો હતો ત્યારે નાનાવાડા પાસે લગરદાદાની ડેરી પાસે રોડ ઉપર પહોંચતા સામેથી માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રક નં.જીજે૧૦-એકસ-પ૩૮રના ચાલકે મોટર સાઇકલને ઉલાળતા બન્ને ફંગોળાઇ જતા બન્નેને  ગંભીર હાલતમાં તાત્કાલીક કોડીનારની રા.ના.વાળા હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા હતાં. જયાં ફરજ પરનાં ડોકટરે મોટર ચાલક દિપુભાઇને મૃત જાહેર કરતા તેના પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે.

જયારે મંગળભાઇને પણ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વેરાવળની હોસ્પિટલે ખસેડાયા હતાં.

દરમિયાન પંથકવાસીઓમાં થતી ચર્ચાનુસાર કોડીનાર - ઉના અને બિજો કોડીનાર - કોટડા રોડ ઉપર મહિનામાં એકાદ જીવલેણ અકસ્માત તો થાય છે, પોલીસ ખાસ રવિવારે બન્ને રોડ ઉપર પેટ્રોલીંગ કરે એવી લોક માંગ છે.

અકસ્માતના બનાવમાં ભોગ યુવકના પિત્રાઇ ભાઇ નાથાભાઇ રાણાભાઇ પરમારની ફરીયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી કાળમુખા ટ્રકના ચાલકની શોધખોળ આદરી છે.

(12:12 pm IST)