Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સોમનાથના કદવાર ગામે આવેલ મૌર્ય યુગના ઉતમ સ્થાપત્ય સમું ૧૮૦૦ વર્ષ પુરાણુ ઐતિહાસિક ''વરાહ મંદિર''

ભારત વર્ષનું એકમાત્ર ભગવાન વરાહ સ્વરૂપનું અતિ પ્રાચિન ભવ્ય મંદિર આ મંદિરે આજે વરાહ જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી થશેઃ સાથે લોકમેળાની જમાવટ

 પ્રભાસ પાટણ તા. ૯: સોમનાથ, મંદિરથી ૧૨ કિલોમીટર દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાન વરાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર આવેલ છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલ છે. ઇ.સ. ૨૧૨નાં ચંદ્રગુપ્ત મોૈર્ય યુગની ઉત્તમ શિલ્પકલાની ઝાંખી અહિ થાય છે.

કદવાર ગામે આવેલ આ વરાહ મંદિર ૧૮૦૦ વર્ષ જુનું છે આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં મોજા સતત સંભળાતા રહે છે સોૈરાષ્ટ્રનાં ઇ.સ. ૨૧૨ થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદના સાળાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું કદવાર ગામનું જુનુ નામગ હતુ તેમ જાણવા મળે છે.

હિન્દુ ગ્રંથમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજી સૃષ્ટિના સર્જનમાં વ્યસ્ત હતા ત્યારે દૈત્ય અચાનક પૃથ્વીને પાતાળ સુધી લઇ ગયો રાક્ષસનાં આ કૃત્યથી પૃથ્વીને મુકત કરાવવા બ્રહ્માજીએ મનોમંથક આદર્યુ હતું ત્યારે બ્રહ્માજીની નાસિકાનાં છીદ્રમાંથી એક અંગુઠા જેવડુ ભુંડનું બચ્ચુ નિકળ્યું જે ક્ષણવારમાં આકાશમાં પહોંચી તેમણે હાથના કદ જેવડું સ્વરૂપ ધારણ કરેલ.

ભગવાનની મોટી હાકથી ચારે દિશામાં મોજાનો નાદ ઉત્પન્ન થયો ગર્જના સાંભળી સોૈપ્રથમ વેદો ભગવાન વિષ્ણુંનાં ત્રિજા અવતાર સમાન વરાહ દેવની પ્રાર્થના કરવા લાગ્યા વારાહ સ્વરૂપ વાળા ભગવાન પોતાની સ્તુતિવાળા વેદ વચનો સાંભળી દેવોનાં ઉત્કર્ષ માટે ગર્જના કરતા સમુદ્રનાં અગાધ જળમાં પ્રવેશ્યા તેમની ધારદાર ખરીઓથી જળમાં રસ્તો કરતા છેક પાતાળ સુધી ગયા અને પ્રલયકાળે સજીવોને રક્ષણ આપી પોતાની ઉદરમાં જળમાં ડુબતી પૃથ્વીને પોતાના મુખનાં બંને દાતો વચ્ચે રાખી તેઓ જળમાંથી નિકળતા હતા ત્યારે પરાક્રમી રાક્ષસ હિરણ્યાક્ષ દૈત્ય હાથમાં ગદા લઇ સામે આવ્યો અને વરાહ ભગવાનને રોકયા અને અતિ ક્રોીધત ભગવાનને તેનો ક્ષણમાંજ સંહાર કરી નાંખ્યો હતો.

વારાહ ભગવાનનાં રોદ્ર સ્વરૂપને જોઇ ભુદેવો મુનીઓ તેમની પ્રિતિજનક સ્તુતિ કરવા લાગ્યા અને પોતાની ખરીઓથી સ્થિત કરેલા જળ ઉપર પૃથ્વી રાખીને ખરબચડી, ખાડા, ટેકરાવાળી જમીનને સારી કરી નાખી પોતાના ધામમાં ગયા.

જુનુ શિલ્પ સ્થાપત્ય ધરાવતું મંદિરની દિવાલો પર કલાત્મક કોતરણી, બારીકાયથી દોરેલી કૃતિઓ, ચિત્રોની અનોખી ડિઝાઇન ધરાવતું આ અતિ પ્રાચીન મંદિર છે.

સંસ્કુતિના પ્રતિક સમાન મંદિરની ભવ્યતા ભાતીગળ અને સંસ્કૃતિને પ્રતિક સમાન વારાહ ભગવાનનાં મંદિરની કાળક્રમે યોગ્ય જાળવણી ન થતા આ મંદિરની ભવ્યતા આજે ઝાંખી પડેલ છે.

રાજાશાહિ યુગમાં મૂર્તિઓ ખંડિત કરાઇ છે જયારે સોમનાથ ઉપર મહંમદ ગઝનવીએ લુંટ કરી હતી ત્યારે તેણે વારાહ ભગવાનની મૂર્તિ પણ ખંડિત કરી હતી આજે પણ આ મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળે છે.

આ પ્રાચીન વરાહ ભગવાનની જન્મ જયંતિ દર વર્ષે જેઠ વદ ૧૧ના રોજ આવે છેે અને આજુ-બાજુનાં વિસ્તારોના લોકો તેની ભવ્યતાથી ઉજવણી કરે છે મંદિરે સવારના ૭ થી સાંથનાં ૭ સુધી લોકોનાં દર્શન માટે ઘસારો રહે છે સાથે મંદિર પરીસરમાં ટપાનો કાર્યક્રમ યોજાય છે. જે ખુબ જ ભવ્ય હોય છે અને બહેનો દ્વારા રાસ-ગરબા તેમજ મંદિર ધૂન દિવસભર ચાલુ રહે છે. અને દિવસભર મેળા જેવું વાતાવરણ જોવા મળે છે.

આ વિસ્તાર દરિયા કિનારે હોવાથી ખેતરોમાં સુવરનો ત્રાસ રહે છે. પરંતુ ખેડુતો વાવણી કરવા જતા ભગવાન વરાહના દર્શન કરે છે અગરબતી અને દિવો કરે છે અને નાળીયેર વધેરી વરાહ ભગવાનને પ્રાર્થના કરે છે. જેથી ખેતરોમાં સુવરનો ત્રાસ બંધ થાય છે. તેવી ગામલોકોની માન્યતા છે. તો જેઠ વદ ૧૧થી આજ રોજ તા. ૯/૭/૧૮ નાં રોજ આ કાર્યક્રમ યોજાયેલ છે. (૧.૩)

(10:25 am IST)