Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સોમનાથ મહાદેવ મંદિરે આજથી સોમયજ્ઞનો પ્રારંભ

પ્રભાસ-પાટણ તા.૯: ભારતના બાર જયોર્તિલિંગમાના પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં રામાયણ અને મહાભારતની પ્રાચીન પરંપરાસમો સોમયજ્ઞ આજે તારીખ ૯ થી ૧૪ જુલાઇ એટલે કે છ દિવસીય આયોજન સાથે આયોજીત કરાયો છે.

હૈદ્રાબાદના ડો. રાજ રેડી આ યજ્ઞ સંકલ્પકર્તા છે જેમનો હેતુ વિશ્વ કલ્યાણ, પ્રજા કલ્યાણ અને શૂધ્ધ વાતાવરણ રહે અને સારો વરસાદ થાય અને અનાજ-ધન-ધાન્ય સારા પાકે અને બધાને મળી શકે તથા ધર્મ-રાષ્ટ્ર સંરક્ષણ કરી શકે તેવી પ્રજા ઉત્પન્ન થાય તે માટે આ યજ્ઞ કરાયેલ છે.

જેમાં ૨૦ પંડિતો જેમાના મહારાષ્ટ્ર-પૂના- અમદાવાદ-રાજસ્થાન- જયપુર- રત્નાગીરી-મહારાષ્ટ્રના લાતુર થી ચાર વેદના પંડિતો આ યજ્ઞ કાર્ય કરશે.

જેમાં સોમરસની આહૂતિ અપાશે. સોમરસ એટલે સોમવલ્લી નામની એક વનસ્પતિ છે તેને કુટી-કુટીને સોમરસ કાઢવામાં આવે છે અને તે રસ ચાર વેદોના મંત્રો બોલી ભગવાન અગ્નિનારાયણને આહૂતિ અપાશે.

ઇન્દ્ર, અગ્નિવિષ્ણુ, ઇન્દ્ર, વરૂણ, વાજ દેવતા ને પણ સોમરસ આહૂતિ અપાશે અને તેમા પ્રર્વય નામની વિધી હોય છે આ વિધીમાં યજ્ઞની જવાળા ૨૦ થી ૨૫ ફુટ ઉપર જાય છે.

૧૦૦*૮૦ નો મંડપ બંધાયો છે અને યજ્ઞમાં સાચા-પ્રત્યક્ષ ગાય અને અશ્વ યજ્ઞ દરમ્યાન રાખવામાં આવશે ગાયને બધા દેવતાના સ્વરૂપે અને અશ્વને ઇન્દ્રરૂપે પૂજન કરાશે.

સોમનાથમાં આજથી લગભગ બાર વરસ પહેલાં આવો યજ્ઞ યોજાઇ ગયેલ છે. આ ઉપરાંત આયોજકો દ્વારા પોંડીચેરી, ઓરિસ્સા-ખડકપુર, બેંગલોર, મહેશ્વર એમપી, મહારાષ્ટ્રમાં પૂનામાં આવો યજ્ઞ કરેલ છે. આ યજ્ઞથી થતી પોઝીટીવ ઉર્જા વિજ્ઞાનિક કસોટીમાં સફળ અનૂભુતિ આપેલ છે. વેદમૂર્તિ મંગેશ બાવીકરના જણાવ્યા મુજબ યજ્ઞના દિક્ષીત સહિતના પંડિતો રહેશે.

યજ્ઞનો સમય

પ્રથમ દિવસે સવારે ૧૦ થી ૧ સાંજે ૬ થી ૭:૩૦, બીજા દિવસે સવારે ૭ થી ૧ સાંજે ૫ થી ૭:૩૦, ત્રીજાદિવસે સવારે ૯ થી ૧ સાંજે ૫ થી ૭:૩૦, ચોથા દિવસે સવારે ૭ થી ૧ સાંજે ૬:૩૦ થી ૯, પાંચમાં દિવસે સવારે ૬ થી ૧ સાંજે ૫ થી ૧૦ તથા છઠ્ઠા દિવસે અવભ્રુત સ્નાન પવિત્ર ત્રિવેણી સંગમમાં અને બપોરે ૧૨ વાગ્યે પૂર્ણાહૂતિ થશે તેમ યાદીમાં જણાવાયું છે. (૧.૨)

* દેશભરના ચાર વેદોના પંડિતો યજ્ઞપૂજા વિધી કરશે

* આ યજ્ઞની જવાલા યજ્ઞ સમય દરમ્યાન અવારનવાર ૨૦ થી ૨૫ ફુટ ઉપર સુધી જાય છે તે છે તેની વિશેષતા

* ''આ યજ્ઞમાં સોમવલ્લી નામની એક વનસ્પતિ છે. તેને કુટી-કુટીને સોમરસ કાઢવામાં આવે છે અને તેની આહૂતિ અપાશે, અને આ સમયે ચાર વેદોના મંત્રો બોલી અગ્નિ નારાયણને આહૂતિ અપાશે''-વેદમૂર્તિ મંગેશ બાવીકર

* યજ્ઞ સ્થળે પ્રત્યક્ષરૂપે ગાય અને અશ્વ રખાશે

(10:23 am IST)