Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા પર્યાવરણપૂરક જીવન પધ્ધતિ (LiFE) અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

જિલ્લાના ૧૨ ગામના ૩૮૫ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમોમાં લીધો ભાગ

પ્રભાસ પાટણ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તા. ૨૨મી મે થી ૫મી જૂન ૨૦૨૩ દરમિયાન પર્યાવરણપૂરક જીવન પધ્ધતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી લોકોને પર્યાવરણ બચાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં થતા વાતાવરણ પલટામાં ક્યાંકને ક્યાંક માનવસૃષ્ટી મહદ અંશે જવાબદાર છે. ત્યારે ખાસ કરીને ખેતિને ટકાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપરાંત જળ સંગ્રહ પધ્ધતિઓ, હલકા ધાન્યનુ માનવ સ્વાસ્થ્યમાં મહત્વ અને પ્રદુષણમુકત પર્યાવરણ માટે વૃક્ષોની ભૂમિકા વગેરે જેવા મહત્વના વિષયો આવરી લઇ લોકોને જાગૃત કરવામા આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રોજ આણંદપરા ખાતે કેવીકે-એસીએફ દ્વારા ખેડુતો સાથે પર્યાવરણ સરંક્ષણના શપથ લેવામાં આવ્યા હતા. અને ફળાઉ રોપાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર અભિયાનમાં ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા ૧૨ જેટલા ગામના ૩૮૫ જેટલા ખેડુત-ખેત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવામાં કેવીકેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(12:59 am IST)