Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કચ્છમાં ૧૦ વર્ષથી સાંકળે બંધાયેલ મહિલાની મુકિત

ભુજ : બંધન કોઇપણ હોય પરંતુ જયારે તેમાંથી મુકતી મળે છે. ત્યારે તેનો આંનદ પણ કઇક અલગ હોય છે. પરંતુ અહી કરમની કઠણાઇ જુઓ કે એક મહિલા ૧૦ વર્ષ સુધી બંધનમાં રહી તેને 'મુકિત' મળી પરંતુ તે તેનો આંનદ કોઇને વર્ણવી શકી નહી. કદાચ તેનો આનંદ આપણે સમજી પણ નહી શકીએ તેનું કારણ તે માનસિક અસ્વસ્થ છે. જોકે,તેના પરિવારે તેને આજ કારણે સજા કરી હોય તેમ આ માનસિક અસ્વસ્થ મહિલાને સતત ૧૦ વરસ સુધી પશુની જેમ સાંકળ થી બાંધી રાખી હતી.પરંતુ ૧૦ વર્ષ કેદમાં રહ્યા બાદ તેને ભુજના સમાજ કલ્યાણ વિભાગે મુકિત અપાવી છે. આ મહિલાને સજા એટલા માટે મળી કેમકે તે માનસીક બિમાર હતી. મીડીયા અને સોશિયલ મીડિયા મા સાંકળે બાંધેલ આ મહિલાની વાત વહેતી થઇ અને ભુજ સમાજ કલ્યાણ વિભાગ ત્યા પહોંચ્યુ મહિલાને સાંકળના બંધનમાંથી મુકત કરી અને હાલ તેને ભુજ માનશીક સારવાર કેન્દ્ર ખાતે મોકલી આપી છે. જયા તેની સારવાર પણ થશે અને તેને બંધનમાં સાંકળ સાથે નહી રહેવુ પડે!!

સમગ્ર કિસ્સો કઇક એવો છે કે, મીરઝાપર નજીક આવેલ એક વાંઢમાં એક પશુપાલક પરિવાર રહે છે. જત પરિવારની મહિલા અજીમતબેન નોડે ધણા વર્ષોથી માનસિક બિમાર હોઈ તેના પરિવારે જ તેમને સજા આપીને સાંકળે બાંધી બંધક બનાવી હતી. આ મહિલાને મુકત કરાવવા સમાજસેવકોને સાથે રાખી સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ચૌહાણ સાથે ટીમ પહોંચી અને બંધનમાં રહેલી મહિલાને મુકત કરાવી હતી. સ્થાનીકોની વાત પ્રમાણે તો છેલ્લા ધણા સમયથી આ મહિલા અહી કેદ છે અને પરિવારે તેની સારવાર પણ કરાવી નથી. તો ચર્ચા એવી પણ હતી કે અંધશ્રધ્ધામાં વિશ્વાસ રાખી આ પરિવારે મહિલાને સાંકળથી બાંધી હતી. જો કે, શરૂઆતના સમયમાં તંત્ર સાથે પરિવારનુ શાબ્દીક ઘર્ષણ પણ થયુ હતુ. પરંતુ અંતે તંત્રએ કાયદાના દાયરામાં મહિલાને મુકત કરાવી એક નવજીવન આપ્યુ.

(11:42 am IST)