Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

બોટાદ-તળાજાઃ ૪ પ્રેમીઓએ જીવ દીધો

શ્રદ્ધા વુમન હોસ્પિટલના કર્મચારીએ યુવતિ સાથે જીવ દીધો : તળાજાના બપાડામાં ખેતમજૂર યુવક સાથે સગીરાએ ઝેર ગટગટાવ્યું

પ્રથમ તસ્વીરમાં બોટાદના પ્રેમી પંખીડા અને બીજી તસ્વીરમાં તળાજા પંથકના બપાડા ગામના પ્રેમી પંખીડાના મૃતદેહ નજરે પડે છે.

ભાવનગર, તા. ૯ : ભાવનગર અને બોટાદ જીલ્લામાં ર અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

તળાજાના બપાડા ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતા સગીરા અને યુવકે પ્રેમાંધ બની ગઇકાલે બપોરના સમયે ઝેરી દવા પી બંનેએ સાથે જીવનનો અંત લાવી દીધો હતો. રાત્રે શોધખોળ દરમિયાન પરિવારજનોને બંનેના મૃતદેહ હાથ લાગતા અલંગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

અલંગ પોલીસ મથકના જમાદાર અશ્વિનસિંહ પાસેથી મળતી વિગતો અનુસાર બપાડા ગામના દેસાઇ દાનુભાઇ ગોરખભાઇની વાડીમાં કામ કરતા જીવણ મોહનભાઇ ચૌહાણની પુત્રી મનીષાબેન (ઉ.વ.૧૬)ને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા પરેશભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.૧૯) રે. પીપરવાડીવાળા સાથે પ્રેમ થઇ ગયેલ.

આ બંનેએ ગઇકાલે બપોરના સમયે વાડીમાં આવેલ બાજરીના પાકમાં જઇ સાથે ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધેલ.

મોડી સાંજ સુધી બંનેનો પત્તો ન લાગતા વાડીમાં શોધખોળ હાથ ધરતા બંન્નેના મૃતદેહ વાડીમાંથી મળી આવતા અલંગ પોલીસને જાણ કરી હતી.

સગીરાનો દોઢ માસ પહેલા સંબંધ અન્યત્ર કરતા બંન્નેએ અંતિમ પગલુ ભર્યાનું પોલીસએ જણાવ્યું હતું.

બોટાદનો અહેવાલ

 બોટાદ : પાળીયાદ રોડ ઉપર આવેલ શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલમાં મેડીકલમાંથી એક યુવાન અને યુવતીની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. ૧૦૮ મારફતે યુવાનને સારવાર અર્થે બોટાદની અંકુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં યુવાનને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતો.

બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલમાં કાલે બપોરના ૪ કલાકની આસપાસ આજ ગાયનેક હોસ્પિટલના મેડીકલમાં નોકરી કરતા અક્રમ સિરાજભાઇ ખલીયાણી ઉ.ર૩ રહે. બોટાદ અને નેહાબેન નયનભાઇ પ્રજાપતિ રહે. બોટાદ જેવો બોટાદના લીંબડાવાળા ચોક ખાતે આવેલ બ્યુટી પાર્લરમાં કામ કરે છે જેવો ગત બપોરના સુમારે શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલ ખાતે આવેલ અને મેડીકલનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવેલ હતો. કલાકો સુધી મેડીકલનો દરવાજો ન ખુલતા અને બુમા બુમ પણ કરવામાં આવી અંતે બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

જયાં નેહાનો મૃતદેહ પડયો હતો. જયારે અક્રમનો શ્વાસ ચાલુ હોય તેવું લાગતા તાત્કાલીક ૧૦૮ મારફતે બોટાદની ખાનગી અંકુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરવામાં આવેલ હતાં. આવી રીતે બન્ને પ્રેમીપંખીડા સજોડે મોતની અનંતની વાટ પકડી હતી. આ બાબતની પોલીસને જાણ થતા એલસીબી પી.આઇ. ગોસ્વામી, ટાઉન પોલીસ પીએસઆઇ વસોયા, એલસીબી પીએસઆઇ ધોરડા તેમજ એલસીબી સ્ટાફ અને ટાઉન પોલીસ સાથે આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બન્ને ડેડબોડીને પી.એમ. અર્થે સોનાવાલા ખસેડાયા હતાં.

(11:01 am IST)