Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મોરબીમાં 48 કલાકમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે :સિવિલમાં તાબડતોબ જરૂરી સ્ટાફ મુકાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વધારાના 500 બેડની સુવિધા કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે ઉભી કરવામાં આવશે

મોરબીમાં કોરોનાની ખતરનાક વિસ્ફોટક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દોડી આવ્યા બાદ વર્તમાન સ્થિતિની સ્થાનિક અધિકારીઓ સાથે દોઢ કલાક સુધી સમીક્ષા કરી તાબડતોબ 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા નિર્ણય લીધો હોવાનું પત્રકાર પરિષદમાં જાહેર કરી જિલ્લાના તમામ પીએચસી અને સીએસસી સેન્ટરની મદદથી 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવી વધારાના 500 બેડની સુવિધા કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે ઉભી કરવામાં આવશેજણાવ્યું હતું

મોરબીની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ  પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ,આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, કલેકટર, અધિક કલેક્ટર, રેન્જ આઈજી, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા આરોગ્ય અધિકારી, સહિતના 19 જેટલા અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો અને આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં અનેક વિધ જાહેરાત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત રૂપે આગામી 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા સાંજ સુધીમાં તબીબી ટીમને મોકલવા સરકારે નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું હરું.

વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકાર કોઈ આંકડા છુપાવતી ન હોવાનું જણાવી હાલમાં ટેસ્ટિંગ,ટ્રીટમેન્ટ અને ટ્રેસીંગ એમ ત્રણ ટી ઉપર સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી મોરબીમાં હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમજ કોરોના ટ્રીટમેન્ટ માટે નાના કલીનીકો અને નાની હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવશે તેમ જણાવી મોરબીમાં પાટીદાર કોવિડ કેર સેન્ટર જેવી સંસ્થાકીય સેવાઓને બિરદાવી હતી

(1:54 pm IST)