Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઉનામાં ડોકટરના વૃદ્ધ પિતાને માર મારીને મોબાઈલ-રોકડ ચોરીને નાસી જનારા માથાભારે ૨ શખ્સોને પકડી પાડવા માંગણી

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૯ :. ચારેક દિવસ પહેલા ખાનગી હોસ્પીટલમાં ગેરકાયદે ઘુસી જઈને ડોકટર રાજેશભાઈ જાનીના વૃદ્ધ પિતાને હથિયાર બતાવીને માર મારીને રોકડ રૂ. ૨૫૦૦ તથા મોબાઈલ ફોનની ચોરી કરીને નાસી ગયેલા માથાભારે ગણાતા નીતિન લખમણ સોલંકી તથા જયદીપ ગોસ્વામીને બન્નેને પોલીસે પકડી પાડે તેવી માગણી ડોકટરના પરિવારજનોએ કરી છે.

શહેરમાં મધુરમ ઓર્થોપેડીક હોસ્પીટલ ચલાવતા ડો. રાજેશભાઈ પી. જાની તેના પત્ની અને એક દિકરી રાજકોટ ગયેલા હતા. ગત તા. ૪ના રાત્રીના તેમના પિતા પોપટભાઈ લાધારામ જાની (ઉ.વ.૮૨) તથા નાની દિકરી ઘરે જે હોસ્પીટલના ઉપરના ભાગે હતા ત્યારે નીતિન લખમણ સોલંકી રે. દામલી તા. કોડીનાર તથા જયદીપ અમરપુરી ગૌસ્વામી રે. દ્રોણ તા. ગીરગઢડાવાળા બદઈરાદે હોસ્પીટલમાં ધસી જઈ બીજા માળે ડોકટરના ઘરનો દરવાજો ખખડાવતા વૃદ્ધ પિતા પોપટભાઈએ દરવાજો ખોલતા તુરંત બન્ને હથીયાર લઈ ઘરમાં ઘુસી વૃદ્ધ પિતાને માટુ મારી પછાડી દીધા હતા. નાની દીકરી જોઈ જતા સ્વબચાવમાં રૂમમાં પુરાઈ ગઈ હતી અને આરોપીઓએ ભાગી જતા રૂમમાં રાખેલ મોબાઈલ ફોન-૧ તથા પાકીટમા રાખેલ રોકડા રૂપિયા ૨૫૦૦ની ચોરી કરી નાસી ગયા હતા.

આ અંગે ઉના પોલીસમાં ડો. રાજેશભાઈ જાનીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આમાથી એક આરોપી ઉનાની એક હોસ્પીટલમાં કામ કરે છે અને ઝનૂની સ્વભાવનો છે. આરોપી હજુ ઉનામાં ખુલ્લેઆમ ફરે છે. ડોકટર ઉપર પાછો હુમલો કરે તેવી શકયતા હોય પોલીસે તુરંત તેને પકડી ભયમુકત કરવા માંગણી છે. ઉનામાં છેલ્લા ઘણા સમયથી માથાભારે આવારા શખ્સોનો ત્રાસ વધ્યો છે. સામાન્ય લોકોને ત્રાસ આપે છે તેવી ફરીયાદો ઉઠી છે.

(11:32 am IST)