Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગોંડલમાં બાગ-બગીચા બંધ : જામવાળી ગામમાં આંશિક લોકડાઉન

૨૦૦થી વધુ ઓકિસજન બેડ શકય નથી જરૂરીયાત અનેકગણી : તમામ હોસ્પિટલો ફુલ

ગોંડલ : પ્રથમ તસ્વીરમાં અમૃત હોસ્પિટલ અને બીજી તસ્વીરમાં ડો. સુખવાલાની હોસ્પિટલ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૯ : કોરોનાનો કહેર ફરી માથું ઉંચકી અજગર ભરડો ભરી રહ્યું છે ત્યારે ગોંડલની નજીક આવેલ જામવાળી ગામમાં એકીસાથે ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામના સરપંચ લીનાબેન પ્રફુલભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોનાને ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે ૬થી ૯ અને સાંજે સાડા પાંચથી આઠ દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે ફેરિયાઓ ને સદંતર પ્રવેશબંધી જાહેર કરાઈ છે બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે તેવું યાદીમાં જણાવાયું છે.

ગોંડલ વિસ્તારમાં કોરોના વિકરાળ બની રહ્યો છે. આરોગ્ય તંત્રની છુપાછુપી વચ્ચે ઘરે ઘરે કોરોના ડોકિયાં તાણી રહ્યાની ભયાવહ સ્થિતી સર્જાઇ છે. સ્મશાન ગૃહ મુકતેશ્વર મુકિતધામ અનુસાર દરરોજ કોરોના પીડીત એક મૃતદેહ અગ્નીદાહ માટે લવાઇ રહ્યો છે.

ગોંડલમાં કોરોના પોઝીટીવનાં કેસ બેકાબુ બન્યા છે. સિવિલ હોસ્પિટલ કોવિડ વિભાગના તમામ ૫૪ બેડ ભરેલાં પડયાં છે.શહેર ની ડો.સુખવાલા હોસ્પિટલ,શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ,ડો.બેલડીયા હોસ્પિટલ સહીત તમામ આઇસીયુ કોરોના દર્દીઓથી ફુલ થઇ ચુકયાં છે. તમામ હોસ્પિટલમાં લાંબા વેઇટીંગ બોલી રહ્યા છે. રોજીંદા ત્રણસો થી ચારસો સીટીસ્કાનનાં રિપોર્ટ થઇ રહ્યા છે.તેમ છતાં ઓકસીજન અને બેડ માટે લોકો માં દોડાદોડી થઇ પડી છે.જેને કારણે દહેશત નો માહોલ સર્જાયો છે. દરમ્યાન અમૃત હોસ્પિટલ શરૂ કરવા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.તેમનાં જણાંવ્યા મુજબ આવતીકાલ થી ખટારાસ્ટેન્ડ પાસે ની અમૃત કોવિડ હોસ્પિટલ કાર્યરત થશે. જેનું સંપુર્ણ મોનિટરીંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરાશે.ખાનગી તબીબો ખુદ પોતાની હોસ્પિટલમાંથી નવરાં રહેતાંનાં હોય અમૃત હોસ્પિટલ માટે જિલ્લામાંથી તબીબી ટીમની વ્યવસ્થા કરાયાનું પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા જણાવાયું હતું. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. વાણવીનાં જણાવ્યાં અનુસાર અમૃત હોસ્પિટલ માટે પચાસ બેડ ઓકસીજન સહીતની સુવિધા સાથે ઉપલબ્ધ કરાયાં છે.જેનું સંચાલન સિવિલ હોસ્પિટલ દ્વારા કરાશે.

મુકતેશ્વર મુકિતધામનાં સંચાલક અરવિંદભાઇ ભાલાળાનાં જણાવ્યાં મુજબ હાલ દરરોજ કોરોનાથી મૃત્યુ પામેલી વ્યકિત અગ્નિદાહ માટે સ્મશાનગૃહમાં લવાઇ રહીં છે. કોરોનાનો મૃત્યુદર પણ ચોંકાવનારો છે.

શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વિકટભરી બનતી જાય છે. ભુણાવા અને ગોમટા ગામે સ્વયંભુ લોકડાઉન જાહેર કરાયું છે.

ગોંડલની પરિસ્થિતિ સ્ફોટક બનતી જાય છે. બીજી બાજુ સોશ્યલ ડિસ્ટન્સને અવગણી તથાં માસ્ક ના પહેરી લોકો લાપરવાહી દાખવી રહ્યા છે.તંત્ર કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવાં પામી છે.

પાલિકા પ્રમુખ શિતલબેન કોટડીયા તથાં કારોબારી અધ્યક્ષ રૂપીભાઇ જાડેજા એ જણાવ્યું કે કોરોનાની ઘાતક અસરો ટાળવાં શહેરનાં તુલસીબાગ, ભગવત ગાર્ડન આશાપુરા ગાર્ડન સહીતનાં બાગ બગીચા બંધ કરી દેવાયા છે. નગરપાલિકા કચેરી તથાં ભગવતસિંહજી લાયબ્રેરી બપોર બાદ બંધ રહેશે.

પ્રમુખ શિતલબેન કોટડીયા એ શહેરીજનોને અપીલ કરી જણાવ્યું કે કોરોનાને કારણે હાલત બગડી રહીછે. બજારોમાં,શાકમાર્કેટમાં ભીડભાડને બદલે શોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે મહત્વનું છે. બિનજરૂરી ઘર બહાર ના નિકળવું તથાં ફરજીયાત માસ્ક પહેરવાં જણાવ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સ અંગે જરૂર પડ્યે નગરપાલિકા આક્રમક બની દંડનાત્મક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું

ગોંડલમાં કોરોના બેકાબુ થતાં હોસ્પિટલમાં ખાટલાં ખુટી પડ્યા ની સ્થિતિ વચ્ચે આજે પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા શહેરનાં તબીબોની તાકીદની બેઠકનું આયોજન કરાયું હતું. જે અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે હાલ સિવિલ હોસ્પિટલ તથાં અમૃત હોસ્પિટલ માં ૧૦૦ ઓકસીજન બેડ ઉપલબ્ધ છે પરંતુ ઓકસીજન ની તિવ્ર માંગ હોય ઓકસીજન બેડ વધારવા જરૂરી છે તેમણે બેઠકમાં શ્રીરામ હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, ડો. સુખવાલા તથાં ડો.બેલડીયા હોસ્પિટલમાં ઓકસીજન બેડ વધારવાં તાકીદ કરતાં આ ચારેય હોસ્પિટલમાં ૧૦૦ બેડ ઉપલબ્ધ થઇ શકે છે.

આમ ૨૦૦ ઓકસીજન બેડ કાર્યરત બની શકે તેમ છે. પરંતુ શહેર અને ગ્રામ્ય મળી અનેક કોરોના દર્દીઓ ને ઓકસીજનની જરૂર હોય પરીસ્થિતી વિકટ બની છે. વધુમાં ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફની ઘટ પણ દ્વિધારૂપ બનવાં પામી છે.

(11:31 am IST)