Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કચ્છમાં ૬ મહિના પછી કોરોના વિસ્ફોટ, ૪૧ કેસ : પીજીવીસીએલના ઈજનેર કે.એલ. વરસાણીનો કોરોનાએ ભોગ લીધો

સાચા આંકડા બાબતે તંત્રની એકીબેકી વચ્ચે સામખિયાળી, લાકડીયા સહિત વાગડ પંથક હોટસ્પોટ, ચર્ચા મુજબ ૭૦ જેટલા કેસો અને ૮ મોતની શંકા, ફતેગઢ ગામે ૨૫ કેસ નોંધાતા ૧૦ દિ' સંપૂર્ણ લોકડાઉન, ભચાઉમાં રાત્રે સ્વૈચ્છિક લોકડાઉન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૯:  કોરોનાનો ડંખ કચ્છમાં ફરી એકવાર આકરો બન્યો છે. જોકે, સાચા આંકડાની એકીબેકીના આટાપાટા વચ્ચે તંત્ર દ્વારા અપાયેલા આંકડા મુજબ પણ છ મહિના પછી કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે અને નવા ૪૧ કેસ સાથે એકિટવ દર્દીઓ વધીને ૨૮૦ ઉપર પહોંચ્યા છે. કચ્છના પીજીવીસીએલના ઈજનેર કે.એલ. વરસાણીનો કોરોનાએ ભોગ લીધો છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વરસાણી સાહેબના નિધનથી શોક છવાયો છે.

કોરોનાની આ બીજી લહેરમાં આ વખતે કચ્છના ગ્રામ્ય વિસ્તારો હોટસ્પોટ બન્યા છે. તેમાંયે ખાસ કરીને પૂર્વ કચ્છમાં વાગડ પંથક તરીકે જાણીતા ભચાઉ રાપર એ બન્ને તાલુકાના ગ્રામીણ વિસ્તારો માં કોરોનાનો કહેર વરતાઈ રહ્યો છે. લાકડીયા અને સામખિયાળીની આજુબાજુ ૬૮ થી વધુ દર્દીઓ અને ૮ મોતની આશંકાની ચર્ચા છે. તો, ફતેગઢ ગામમાં ૨૫ કેસ થતાં ગામલોકોએ ૧૦ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લઈ ગામ બંધ રાખ્યું છે. ભચાઉમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી સ્વૈચ્છિક લોકાડાઉન રાખવાનો નિર્ણય વ્યાપારીઓએ કર્યો છે.

(11:26 am IST)