Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના આંકડા છુપાવવાનો સીલસીલો

માત્ર ૯૩ કેસ બતાવતા લોકોમાં ભારે રોષઃ હવે તો ગામડાની હાલત પણ બદતર

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૯: જીલ્લા આરોગ્ય તંત્રે આજે પણ અસત્યનો આશરો લઇ જીલ્લામાં આવેલા કોરોના કેસનો સાચા આંકડા છુપાવી જુઠની પીપુડી વગાડી છે. રાજકોટ ગ્રામ્યમાં તંત્ર દ્વારા માત્ર ૯૩ કેસો બતાવવામાં આવ્યા છે. ત્યારે એકલા જસદણ તાલુકામાં ગઇકાલે ૧૩૪ કેસો સરકારી ચોપડે જાહેર થયેલા છે. અના ઉપરથી ખ્યાલ આવે છે કે જસદણ તાલુકામાં ૧૩૪ કોરોના પોઝીટીવ કેસ હશે તો સમગ્ર જીલ્લામાંથી કેટલા? જો કે તંત્ર સાચા આંકડા છુપાવીને માત્ર ૯૩ કેસ બતાવતા ભારે આશ્ચર્ય સાથે લોકોમાં પણ રોષ છવાઇ ગયો છે.

રાજય સરકાર દ્વારા કોરોનાને નાથવા યુધ્ધના ધોરણે પગલા ભરી રહી છે પરંતુ કોરોનાની ચેન અટકવાનું નામ નથી લઇ રહી ઉલ્ટાના દિવસે-દિવસે કેસ વધવા લાગ્યા  છે. શહેરની સાથે સાથે હવે તો ગામડાની હાલત બદતર બનવા લાગી છે.

રાજકોટ શહેરમાં ગઇકાલે ૪ર૭ કેસ નોંધાયા છે. જયારે જીલ્લામાં સરકારી આંકડા મુજબ ૯૩ કેસ છે. અકિલાના વાંચકો સમક્ષ અમે કાલે પણ જસદણથી રાજકોટ જીલ્લા આરોગ્ય તંત્રને કોરોના કેસોની વિગતો આપવામાં આવી હતી તેની તસ્વીર મુકી હતી. જેમાં સ્થાનીક તંત્રના જુઠનો પર્દાફાશ કર્યો હતો. આજે પણ અમો માત્ર જસદણ પંથકમાં નોંધાયેલ કેસોની યાદી મુકી છે. જેમાં ૧૩૪ કેસો છે. આમ છતા જીલ્લા આરોગ્ય વિભાગે જીલ્લામાં ૯૩ કેસ બતાવ્યા છે.

શહેરની જેમ હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ કાળો કેર વતાવ્યો છે. ત્યારે જીલ્લાનું આરોગ્ય તંત્ર ઉપર બદનામ ન થાય તે માટે કે ઉપરથી જ આંકડા ઓછા દેખાડવાની સુચના છે તે તો ઉપરવાળો જાણે. પરંતુ સાચા આંકડા ન દેખાડી તંત્રના હાથમાં શું આવે છે તે સમજાતુ નથી. જો કે જાણકારોના જણાવ્યા મુજબ જો રાજકોટ શહેર-ગ્રામ્યનાં સાચા આંકડા જાહેર કરવામાં આવે તો ચીનના વુહાન જેવી સ્થિતિ થઇ જાય તેવી છે.

કોરોનાના આંકડાની સાથોસાથ સ્થાનીક તંત્ર મોતના મામલે પણ આંકડાની માયાજાળ ફેલાવે છે રાજય સરકાર દ્વારા રાજકોટમાં મૃત્યુ આંક રોજનાં માત્ર ૩ થી ૪ હોવાનું કહે છે ત્યારે સ્થાનીક તંત્ર દ્વારા  મૃત્યુઆંક રપ થી ૩૦નો હોવાનું કહેવામાં આવે છે. જયારે સ્મશાનગૃહો પાસેથી મળતી વિગતોમાં ૪૦ થી પ૦ જેટલી અંતીમવિધિ થાય છે.

આજે રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી રાજકોટ આવી રહયા છે. ત્યારે આવા સંવેદનશીલ દિવસોમાં સ્થાનીક આરોગ્ય તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે તેમાં યોગ્ય બદલાવ કરી ખાસ કરી જીલ્લા આરોગ્ય તંત્રમાં રાજકીય ઓથ હેઠળ બેફામ ભ્રષ્ટાચાર, બદલીમાં કટકી કરી જીલ્લાના આરોગ્ય કર્મચારી ઉપર તાનાશાહી કરતા અમુક અધિકારીની બદલી સહીત કડક પગલા નહી ભરવામાં આવે તો આવનારા દિવસોમાં રાજકોટ જીલ્લાને વુહાન બનતા કોઇ નહી રોકી શકે.

(11:25 am IST)