Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મોરબીમાં ઓકિસજન બેડનો અભાવ હોવાથી કોરોના દર્દીઓને રાજકોટ - જામનગર ધકેલાય છે : ભાજપ કારોબારી મેમ્બર અનિલ મહેતા

સાંસદની મુલાકાત સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલની સાચી સ્થિતિ દર્શાવી રજુઆત કરતા ભાજપ આગેવાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબીમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા મોરબીની મુલાકાતે આવ્યા છે તેવા સમયે જ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન બેડ ન હોવાથી રાજકોટ-જામનગર ધકેલી દેવામાં આવતા હોવાનું જણાવી ખુદ પ્રદેશ ભાજપના કારોબારી મેમ્બર અનિલ મહેતાએ કરતા સિવિલ હોસ્પિટલના અંધેર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે.

પ્રદેશ ભાજપ કારોબારી મેમ્બર અને મોરબીના ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતાએ સાંસદની મોરબી મુલાકાત સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રને આડેહાથ લેતા જણાવ્યું છે કે મોરબીમાં કિડની હાર્ટ કે કેન્સરના દર્દીઓને કોરોના એન્ટીજેન્ટ ટેસ્ટ નેગેટીવનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સારવાર કરતા નથી અને આ રિપોર્ટ મોરબીમાં કોઈ કરતું નથી સરકારી હોસ્પિટલ પણ દાખલ ન થાય ત્યાં સુધી ટેસ્ટ કરતી નથી.ઉપરાંત દર્દી દાખલ એટલા માટે નથી થતા કે તેમને કોરોના નથી અને ચેપ લાગવાનો ભય છે. માટે અન્ય રોગના દર્દીઓને કોરોનાનો એન્ટીજેન્ટ ટેસ્ટ કરી આપવાની વ્યવસ્થા થવી જરૂરી છે.

વધુમાં અનિલભાઈ મહેતાએ સિવિલ હોસ્પિટલની પોલ છતી કરતા ગંભીર બાબત ઉજાગર કરીને જણાવ્યું હતું કે, મોરબી સિવિલમાં ઓકસીજન બેડના અભાવે મોટાભાગના દર્દીઓને રાજકોટ કે જામનગર ખસેડવામાં આવે છે તે બરાબર નથી સરકારી હોસ્પિટલમાંઓકિસજન સાથેના ૧૦૦ બેડ વધારવાની જરૂરિયાત છે સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ઘટે છે. માટે એમ્બ્યુલન્સ વધારવી અથવા બસમાં એકસાથે ૮ થી૧૦ પેશન્ટને લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે.

(11:25 am IST)