Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાને કારણે દર્શનાર્થી ઘટયા : રાજ્યના દ્વારકા - સોમનાથ સહિતના ૪ મંદિરોની આવકમાં ૩૭ ટકાનું ગાબડુ

સૌથી વધુ આવક ઘટાડો સોમનાથ મંદિરમાં : આવક - દાન અડધુ થઇ ગયું

અમદાવાદ તા. ૯ : કોરોના મહામારીના કારણે ગુજરાતના પ્રસિધ્ધ મંદિરોમાં શ્રધ્ધાળુઓ તો ઓછા આવ્યા, તે ઉપરાંત દાનની રકમ પણ ઘટી ગઇ છે. રાજ્યના ૪ મુખ્ય મંદિરોમાં ગયા વર્ષની સરખામણીમાં દાનની આવકમાં ૩૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ ૪ મુખ્ય મંદિરોમાં વેરાવળનું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, બનાસકાંઠાનું અંબાજી મંદિર અને ડાકોરનું રણછોડરાય મંદિર છે. આ મંદિરોમાં આવતા દાનને જો મંદિર મુજબ અલગ અલગ ગણીએ તો ૨૦ થી ૫૫ ટકાનો ઘટાડો થયો છે અને તેમને મળતા દાનની આવકને એક સાથે ગણીએ તો તે ૨૦૧૯-૨૦ના ૧૧૯.૩૫ કરોડની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં ૭૪.૯૧ કરોડ રૂપિયા થઇ છે.

સોમનાથની મંદિરની દાનની આવકમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. આ મંદિરને ૨૦૧૯-૨૦માં ૪૪ કરોડનું દાન મળ્યું હતું જે ૨૦૨૦-૨૧માં ૨૦.૨૪ કરોડ થઇ ગયું હતું. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના મંત્રી પી.કે.લહેરીએ કહ્યું, 'સોમનાથ મંદિરની દાનની આવકમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે ૫૦ ટકાથી પણ વધારેનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવ્યાપી બંધના કારણે મંદિર લાંબો સમય બંધ રહેવાથી ભોજન અને રહેઠાણની સેવાઓને અસર થઇ હતી.'

અંબાજી મંદિરની આવકમાં પણ લગભગ ૨૦ ટકા જેવો ઘટાડો થયો છે. ૨૦૧૯-૨૦માં દાનની આવક ૫૧.૬૩ કરોડ હતી જે ૨૦૨૦-૨૧માં ઘટીને ૪૧.૩૪ કરોડ થઇ ગઇ હતી. ડેપ્યુટી કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ કહ્યું કે, દર અઠવાડિયે ૩૦-૩૫ લાખનું દાન આવતું હતું તે ૧૫ થી ૧૮ લાખ જેટલું હાલમાં આવે છે.

ડાકોર મંદિર મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે, કોરોના મહામારીના અહીં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે. એ જ રીતે દ્વારકાધીશ મંદિર પણ ત્રણ મહિના બંધ રહ્યા પછી ગયા વર્ષે જૂનમાં ખૂલ્યું હતું. આ મંદિરને મળતી દાનની આવક પણ ૨૦૧૯-૨૦ના ૧૧.૭૨ કરોડની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં ૬.૩૫ કરોડ થઇ હતી. મંદિરના એક સૂત્ર અનુસાર, કોરોના પહેલા આ મંદિરમાં રોજના ૧૨ થી ૧૫ હજાર શ્રધ્ધાળુઓ આવતા હતા, જે મંદિર ફરીથી ખુલ્લુ મુકાયું ત્યારે ઘટીને ૩ હજાર થઇ ગયા હતા. આ આંકડો ધીમે ધીમે વધીને થોડા સમય પહેલા લગભગ ૭૦૦૦ સુધી પહોંચ્યો હતો.

(11:23 am IST)