Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વિંછીયાના પાટીયાળામાં ગેસ લિકેજથી આગ લાગતા વાળંદ નવદંપતિ અને ૪ વર્ષનો ભત્રીજો દાઝી ગયા

ગેસની નળી લિક થતાં ભડકોઃ ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છેઃ હરેશ વાળા, પત્નિ પ્રભા અને ભત્રીજા જયપાલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગંભીર રીતે દાઝેલા હરેશ વાળા અને ચાર વર્ષનો ભત્રીજો જયપાલ

રાજકોટ તા. ૯: વિછીયાના પાટીયાળા ગામમાં ત્રણ માસ પહેલા જ પરણેલુ વાળંદ દંપતિ અને તેનો ૪ વર્ષનો ભત્રીજો ગેસની નળી લિક થતાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પાટીયાળા ગામે રહેતાં રહેતો હરેશ રાજાભાઇ વાળા (વાળંદ) (ઉ.વ.૩૦) તથા તેની પત્નિ પ્રભા હરેશ વાળા (ઉ.વ.૨૫) તથા તેનો ભત્રીજો જયપાલ જગદીશભાઇ વાળા (ઉ.વ.૪) સાંજે સાડા સાતેક વાગ્યે દાઝી જતાં વિંછીયા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હરેશ વાળંદ કામ કરી ગુજરાન ચલાવે છે અને બે ભાઇમાં નાનો છે. તેના લગ્ન ત્રણ મહિના પહેલા જ સાવરકુંડલાના કણઝારા ગામના રાજાભાઇ વીરાભાઇની દિકરી પ્રભા સાથે થયા છે.

રસોઇ બનાવતી વખતે ગેસની નળી લિક થતાં ભડકો થતાં અકસ્માતે બધા દાઝી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)