Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગોંડલ ભગવતપરામાં ખરા જરૂરિયાતમંદો રાશન કીટથી વંચિતઃઅનેક પરીવારો ભુખ્યા

સામાજિક સંસ્થાઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરાયા ના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાશે

ગોંડલ,તા.૯:કોરોનાના કહેર અને લોકડાઉનના કપરા સમયમાં શહેરના મુખ્ય મંદિરો અને સંસ્થાઓ દ્વારા હજારો રાશન કીટ વિતરણ કરવામાં આવી હોય પરંતુ ભગવતપરા ખાતે ખરા જરૂરીયાત મંદો બાકી રહી ગયા હોય રોષ ફેલાવા પામ્યો છે.ભગવતપરા માં શ્રમજીવી અને ગરીબ પરીવારો વધું પ્રમાણ માં વસવાટ કરે છે.

ભગવતપરાના આગેવાન અનિલભાઈ માધડે રોષ સાથે જણાવ્યું હતું કે મંદિરો અને સામાજિક સંસ્થાઓ એ રાશન કીટનું વિતરણ કરાયું છે તે સરાહનીય છે પરંતુ કેટલાક લોકો દ્વારા આ વિતરણ માં વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવી છે ભગવતપરા અનેક જરૂરિયાત મંદ પરિવારોના ઘરમાં રાશન ખૂટી જવા પામ્યું તેઓની પરિસ્થિતિ દયનિય થવા પામી છે, સરકારી તંત્ર દ્વારા પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જો આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવા લોકોની હાલત વધુ કફોડી થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આ અંગે મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.

કેટલાક સેવાભાવીઓ માત્ર સરકારી પાસ કઢાવી શહેરમાં ફરવા હરવાની સાથે સીન સપાટા કરી રહ્યા છે, જરૂરી સેવા કરનારાઓને પાસ પણ મળી રહ્યા નથી .

ભગવતપરામાં મુખ્યત્વે રોજેરોજ નું કમાઈ ઘર ગુજરાન ચલાવનારા પરિવારો વસવાટ કરી રહ્યા છે, લાંબા લોકડાઉનના કારણે આવા પરિવાર નું રાશન ખૂટી જવા પામ્યું છે જેના કારણે તેઓના સંતાનો ટળવળી રહ્યા છે. ભગવતપરાની હાલાકી અંગે ભગવતપરાના જાણીતા આગેવાનો સરકારી અને સામાજિક સંસ્થાઓની સહાય અંગે રજુઆત કરનાર છે.

(11:48 am IST)